તા. ૧૫ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૬ રવિવાર
News of Sunday, 15th November 2026
ઓનલાઇન છેતરપિંડી પર લગામ લગાવવા RBIનો માસ્ટરસ્ટ્રોક: હવે 6 કલાકમાં સાયબર હુમલાની જાણ કરવી ફરજિયાત : ગ્રાહકોના નાણાં થશે વધુ સુરક્ષિત
ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો માટે ભારતીય રિઝર્વ બેંકે કડક માર્ગદર્શિકા જારી કરી : સાયબર ઘટના બન્યાના છ કલાકની અંદર RBI અને CERT-In ને રિપોર્ટ કરવો અનિવાર્ય : મોટા અને મધ્યમ ઓપરેટરો બાદ નાના ઓપરેટરોને 2028 સુધીનો સમય

મુંબઈ: ઓનલાઇન બેંકિંગ અને ડિજિટલ ચુકવણીના વધતા વ્યાપ વચ્ચે સાયબર ઠગો પર સકંજો કસવા માટે ભારતીય રિઝર્વ બેંક એ '6-કલાકનો નવો રિપોર્ટિંગ નિયમ' અમલમાં મૂક્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ, હવે તમામ નોન-બેંકિંગ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો એ કોઈપણ સાયબર હુમલો, સિસ્ટમ આઉટેજ, સેટલમેન્ટમાં વિલંબ કે અન્ય અસામાન્ય ઘટના બન્યાના અથવા છેતરપિંડીની જાણ થયાના માત્ર છ કલાકની અંદર નિર્ધારિત ફોર્મેટમાં RBI અને CERT-In ને તેની જાણ કરવી ફરજિયાત રહેશે. આ કડક સમયમર્યાદાનો મુખ્ય હેતુ સાયબર જોખમો સામે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને બેંક ગ્રાહકોના પરસેવાની કમાણીને સુરક્ષિત રાખવાનો અને ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો છે.
આ સુધારેલા 'માસ્ટર ડાયરેક્શન્સ' હેઠળ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI), કાર્ડ નેટવર્ક્સ, પેમેન્ટ એગ્રીગેટર્સ, પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) ઇશ્યુઅર્સ અને વ્હાઇટ-લેબલ ATM ઓપરેટર્સ (WLAO) સહિતની સંસ્થાઓ માટે સોફ્ટવેર સુરક્ષા, સિસ્ટમ ઓડિટ અને થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે, હાલમાં આ નિયમો મોટા અને મધ્યમ કદના PSOs ને લાગુ પડશે, જ્યારે નાના પેમેન્ટ ઓપરેટરોને આ માળખું અપનાવવા માટે 1 એપ્રિલ, 2028 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, કટોકટીના સમયમાં સેવાઓ ખોરવાય નહીં તે માટે ઓપરેટરોને અલગ ભૂકંપગ્રસ્ત ઝોનમાં ડિઝાસ્ટર રિકવરી સેન્ટર સ્થાપવા અને વર્ષમાં ઓછામાં ઓછી બે વાર રિકવરી ડ્રિલ યોજવા પણ આદેશ અપાયો છે.
સાયબર સુરક્ષા ક્ષેત્રના નિષ્ણાતોએ RBIના આ નિર્ણયને ભારતના ડિજિટલ નાણાકીય માળખા માટે ઐતિહાસિક અને વ્યૂહાત્મક ગણાવ્યો છે. 63SATS સાયબરટેક, Apollo Infoways અને નેરિક્સ ટેક્નોસર્વ જેવી ટેક કંપનીઓના ટોચના અધિકારીઓનું માનવું છે કે, આ નિયમથી સાયબર છેતરપિંડીના કેસોમાં કંપનીઓની બેદરકારી કે બહાનાબાજી બંધ થશે. ફરજિયાત 6 કલાકની રિપોર્ટિંગ વિન્ડો પેમેન્ટ કંપનીઓને માત્ર ઘટના બન્યા બાદ જાગવાને બદલે અગાઉથી જ મજબૂત દેખરેખ અને અત્યાધુનિક રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરશે, જેનાથી સામાન્ય નાગરિકોનો ડિજિટલ વ્યવહારો પરનો વિશ્વાસ વધુ દૃઢ બનશે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
