<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા RBIનો મોટો નિર્ણય: FPIs માટે KYC નિયમો કરાયા સરળ, વિદેશી પ્રમાણપત્રને મળી મંજૂરી

ગ્લોબલ ઇન્વેસ્ટર્સ માટે રેડ ટેપિઝમનો અંત: હવે ભારતીય બેંકો વિદેશી નોટરી, દૂતાવાસ અને સ્થાનિક બેંક અધિકારીઓ દ્વારા ચકાસાયેલા દસ્તાવેજો સીધા જ સ્વીકારી શકશે

નવી દિલ્હી : ભારતીય નાણાકીય બજારોમાં વિદેશી મૂડીરોકાણના પ્રવાહને વેગ આપવા અને રોકાણકારો માટે અમલદારશાહીની અડચણો દૂર કરવાના હેતુથી ભારતીય રિઝર્વ બેંકે (RBI) એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. રિઝર્વ બેંકે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) માટે 'નો યોર કસ્ટમર' (KYC) પાલનના નિયમોને નોંધપાત્ર રીતે સરળ બનાવી દીધા છે. 'RBI સુધારા નિર્દેશો, ૨૦૨૬' હેઠળ જાહેર કરાયેલી આ નવી છૂટછાટ અનુસાર, હવે ભારતીય બેંકો વિદેશી અધિકૃત અધિકારીઓ દ્વારા ચકાસાયેલા KYC દસ્તાવેજોની મૂળ પ્રમાણિત નકલો સીધી જ સ્વીકારી શકશે, જેથી રોકાણકારોને હવે ભારતમાં દસ્તાવેજ પ્રમાણિત કરાવવાની જંઝટમાંથી મુક્તિ મળશે.

 

આ સુધારેલા માળખા હેઠળ, વિદેશમાં કાર્યરત ભારતીય બેંકોની શાખાઓના અધિકારીઓ, ભારતીય બેંકો સાથે સંબંધ ધરાવતી વિદેશી બેંકોના અધિકારીઓ, વિદેશી નોટરી પબ્લિક, કોર્ટ મેજિસ્ટ્રેટ, ન્યાયાધીશ તેમજ વિદેશ સ્થિત ભારતીય દૂતાવાસ અથવા કોન્સ્યુલેટ જનરલ દ્વારા સાક્ષ્યાંકિત (Attested) કરાયેલા દસ્તાવેજો હવે માન્ય ગણાશે. આ નિર્ણયથી પ્રક્રિયાગત વિલંબ ઓછો થશે અને વિદેશી સંસ્થાગત રોકાણકારો માટે ભારતીય બેંકિંગ અને કેપિટલ માર્કેટમાં પ્રવેશવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સુગમ બનશે.

 

બજારમાં FPI વેચવાલી વચ્ચે રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ

 

RBI નો આ સુધારાત્મક નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વૈશ્વિક પડકારો વચ્ચે વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. ઇરાન-અમેરિકા સંઘર્ષ, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને યુએસ ૧૦-વર્ષીય બોન્ડ યીલ્ડ ૫ ટકાની આસપાસ પહોંચવા જેવા પરિબળોને કારણે સપ્ટેમ્બર મહિનામાં FPIs એ ભારતીય બજારમાંથી રૂ. ૨૩,૬૭૬ કરોડથી વધુના શેર વેચ્યા છે. જોકે, બેંકો માટે મૂળ દસ્તાવેજોની ભૌતિક ચકાસણી અને યોગ્ય કાયદાકીય તપાસ (KYC Verification) ફરજિયાત રહેશે. રિઝર્વ બેંકને આશા છે કે ભારતની મજબૂત આર્થિક સ્થિતિ અને સરળ બનેલી નીતિઓને કારણે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ફરી મજબૂત થશે.

 

(7:02 PM IST)