News of Thursday, 16th July 2026
ડિજિટલ ક્રાંતિ વચ્ચે RBIની મોટી કાર્યવાહી: બેંકો અને NBFCs માટે ડેટા સુરક્ષાના કડક નિયમોનો ડ્રાફ્ટ જાહેર, જો ચૂક થઈ તો બેંકોની પ્રતિષ્ઠા દાવ પર લાગશે!
ટેકનોલોજીના જમાનામાં ગ્રાહકોના ડેટા સાથે રમત નહીં ચાલે; રિઝર્વ બેંકે નાણાકીય સંસ્થાઓને ડેટા ગવર્નન્સ મજબૂત કરવા આપ્યો આદેશ, 17 ઓગસ્ટ સુધી મંગાવ્યા સૂચનો.

મુંબઈ, તા. ૧૬: આજના ડિજિટલ યુગમાં જ્યારે નાણાકીય વ્યવહારો આંગળીના ટેરવે થઈ રહ્યા છે, ત્યારે ગ્રાહકોના ડેટાની સુરક્ષા સૌથી મોટો પડકાર બની ગઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બુધવારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઝડપથી વધી રહેલા ડિજિટલાઇઝેશન વચ્ચે, કેન્દ્રીય બેંકે નાણાકીય ક્ષેત્રમાં ડેટા ગવર્નન્સના ધોરણોને લોખંડી બનાવવા માટે 'ડેટા ગવર્નન્સ માટે નિયમનકારી અપેક્ષાઓ પર માર્ગદર્શિકા' નો એક વિશેષ ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. આ નવા નિયમો માત્ર બેંકો જ નહીં, પરંતુ સામાન્ય લોકોની આર્થિક સુરક્ષા સાથે પણ સીધા જોડાયેલા છે.
આ પ્રસ્તાવિત કડક નિયમોનો વ્યાપ ઘણો મોટો રાખવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ માર્ગદર્શિકા તમામ કોમર્શિયલ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, પેમેન્ટ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs), તેમજ શહેરી અને ગ્રામીણ સહકારી બેંકોને લાગુ પડશે. આ ઉપરાંત, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFCs), સંપત્તિ પુનર્નિર્માણ કંપનીઓ (ARCs) અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ જેવી તમામ મોટી નાણાકીય સંસ્થાઓએ પણ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
શા માટે RBIએ લેવો પડ્યો આ નિર્ણય?
આ પગલા પાછળનું મુખ્ય કારણ સમજાવતા RBI એ સ્પષ્ટ કર્યું છે કે, હાલમાં ટેકનોલોજી આધારિત બિઝનેસ મોડલ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આના કારણે નાણાકીય સંસ્થાઓ પાસે ડેટાનો જે જથ્થો, વિવિધતા અને તેની ગતિ (વેલોસિટી) છે, તે સતત વધી રહી છે. આવી સ્થિતિમાં ડેટા એ કોઈપણ નાણાકીય સંસ્થા માટે સૌથી કિંમતી સંપત્તિ બની ગઈ છે. આ માહિતી સંપૂર્ણપણે સચોટ, સુરક્ષિત અને બિઝનેસ સિસ્ટમ માટે યોગ્ય રહે તે સુનિશ્ચિત કરવા માટે મજબૂત ડેટા ગવર્નન્સ અનિવાર્ય બન્યું છે.
રિઝર્વ બેંકે નાણાકીય સંસ્થાઓને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ડેટા ગવર્નન્સમાં કોઈ પણ પ્રકારની નબળાઈ કે બેદરકારી રાખવામાં આવશે, તો સંસ્થાઓ પર મોટું નાણાકીય, ઓપરેશનલ અને કાયદાકીય જોખમ તોળાશે. આટલું જ નહીં, તેનાથી બેંકોની વર્ષોથી કમાયેલી પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી શકે છે. આ પ્રસ્તાવિત માળખાનો ઉદ્દેશ્ય ડેટાના આખા જીવનચક્ર (Data Lifecycle) દરમિયાન તેની સુરક્ષા પ્રથાઓને મજબૂત કરવાનો અને સમગ્ર નાણાકીય પ્રણાલીમાં એક સમાન ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવાનો છે.
સામાન્ય જનતા અને ઉદ્યોગો પણ આપી શકશે પોતાનો અભિપ્રાય
RBI એ આ મામલે પારદર્શિતા જાળવી રાખીને, આગામી 17 ઓગસ્ટ, 2026સુધી તમામ નિયમનકારી સંસ્થાઓ, ઉદ્યોગના હિસ્સેદારો અને સામાન્ય જનતા પાસેથી તેમના મંતવ્યો અને પ્રતિક્રિયાઓ મંગાવ્યા છે. કોઈપણ વ્યક્તિ આ ડ્રાફ્ટ અંગે પોતાની ટિપ્પણીઓ RBI ની સત્તાવાર વેબસાઇટ પર આપેલા 'કનેક્ટ 2 રેગ્યુલેટ' વિભાગ દ્વારા અથવા નિયમન વિભાગને સીધો ઇમેઇલ કરીને સબમિટ કરી શકે છે.
આ ડ્રાફ્ટ અનુસાર, નવી માર્ગદર્શિકામાં ડેટા આર્કિટેક્ચર, મેટાડેટા, ડેટાની ગુણવત્તા, જવાબદારીઓનું માળખું અને ત્રીજા પક્ષ (Third-Party) સાથે ડેટા શેરિંગ કરવા અંગેની વ્યાપક અને કડક અપેક્ષાઓની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે, જે આગામી સમયમાં ભારતીય બેંકિંગ ક્ષેત્રને વધુ સુરક્ષિત બનાવશે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
