<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

ધખધખતી મોંઘવારી વચ્ચે RBI ની MPC બેઠક પર દેશભરની નજર: ૭ ઓક્ટોબરે મોટો ધડાકો થશે?

રેપો રેટમાં ૦.૨૫% નો વધારો થવાની પ્રબળ ધારણા: હોમ-ઓટો અને તમામ પ્રકારની લોન મોંઘી થવાના એંધાણથી સામાન્ય વર્ગ ચિંતાતુર!

મુંબઈ:  ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય મહત્વની બેઠક આગામી ૫ થી ૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાવા જઈ રહી છે. દેશભરના બજારો અને કરોડો લોનધારકોની નજર આ બેઠકના નિર્ણય પર ટકેલી છે. ઓગસ્ટ માસમાં છૂટક ફુગાવો વધીને ૪.૮૨% એ પહોંચતા અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ તથા ડોલર સામે નબળા પડતા રૂપિયાના લીધે રિઝર્વ બેંક પર વ્યાજદરમાં વધારો કરવાનું ભારે દબાણ સર્જાયું છે.

બજારના નિષ્ણાતો અને રોઇટર્સના અર્થશાસ્ત્રીઓના સર્વે મુજબ, બેંક આ વખતે રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ (૦.૨૫%) નો વધારો કરી શકે છે. જો આમ થશે તો હાલનો ૫.૨૫% નો રેપો રેટ વધીને ૫.૫૦% એ પહોંચશે. ફેબ્રુઆરી ૨૦૨૩ પછી આ પ્રથમ દર વધારો હોઈ શકે છે.


બેંકો માટે RBI પાસેથી ધિરાણ લેવાનો ખર્ચ (રેપો રેટ) વધશે, જેના કારણે તમામ કોમર્શિયલ બેંકો પણ ધિરાણ દરોમાં વધારો કરશે. પરિણામે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન મેળવવી વધુ મોંઘી બનશે અને હાલના લોનધારકોના માસિક હપ્તા (EMI) માં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે.

હાલમાં રેપો રેટ ૫.૨૫% પર સ્થિર છે. હવે ૭ ઓક્ટોબરે ગવર્નર વ્યાજદરમાં વધારો કરીને ફુગાવા સામે કડક વલણ અપનાવે છે કે દર યથાવત રાખીને સામાન્ય જનતાને રાહત આપે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

(10:29 PM IST)