<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

સરકારને ઐતિહાસિક ડિવિડન્‍ડ આપશે RBI

ડિવિડન્‍ડની રકમ ૨.૭૦ લાખ કરોડથી લઇ ૩.૫૦ લાખ કરોડ હશે

મુંબઇ તા.૨૨: કેન્‍દ્ર સરકાર માટે આર્થિક મોરચે ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવી રહ્યા છે. રિઝર્વ બેંક ઑફ ઇન્‍ડિયા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સરકારને અત્‍યાર સુધીનું સૌથી રેકોર્ડબ્રેક સરપ્‍લસ ડિવિડન્‍ડ ટ્રાન્‍સફર કરે તેવી શક્‍યતા છે. એક રિપોર્ટ અનુસાર, આ ચૂકવણી ૨.૭ લાખ કરોડ રૂપિયાથી લઈને ૩.૫ લાખ કરોડ રૂપિયાની વચ્‍ચે હોઈ શકે છે.

RBI બોર્ડની એક મહત્‍વની બેઠક મળવા જઈ રહી છે. જેમાં આ સરપ્‍લસ ટ્રાન્‍સફરને મંજૂરી આપવામાં આવી શકે છે. જો આ રકમ અંદાજ મુજબ ૩.૫ લાખ રૂપિયા કરોડની આસપાસ રહેશે, તો તે દેશના ઈતિહાસમાં RBI દ્વારા સરકારને આપવામાં આવેલું સૌથી મોટું ડિવિડન્‍ડ હશે.

ગયા નાણાકીય વર્ષમાં પણ આરબીઆઈએ સરકારને ૨.૬૯ લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક ડિવિડન્‍ડ આપ્‍યું હતું. પરંતુ આ વર્ષે તેમાં ધરખમ વધારો થવાની આશા છે. છેલ્‍લા ત્રણ નાણાકીય વર્ષમાં ય્‍ગ્‍ત્‍ દ્વારા સરકારને અપાતા ડિવિડન્‍ડમાં ત્રણ ગણો વધારો થયો છે. જે કેન્‍દ્ર સરકાર માટે નોન-ટેક્‍સ રેવન્‍યુનો એક મોટોસ્ત્રોત બની ગયો છે.

તમને પ્રશ્ન થશે કે રૂપિયાના મૂલ્‍યમાં ઘટાડો થઈ રહ્યો છે તો RBI આટલી કમાણી ક્‍યાંથી કરી રહ્યું છે? નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાન અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં આશરે ૧૦ ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાને કારણે RBI પાસે રહેલી વિદેશી ચલણની સંપત્તિનું મૂલ્‍ય વધી ગયું છે. રૂપિયાને વધુ ગગડતો અટકાવવા માટે RBI એ ચલણ બજારમાં સક્રિયપણે હસ્‍તક્ષેપ કરીને મોટા પાયે ડોલરનું વેચાણ કર્યું હતું, જેનાથી બેંકને મોટો નફો થયો છે. પડકારો છતાં નાણાકીય વર્ષ ૨૦૨૬માં ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ ૩ ટકા વધીને લગભગ ૬૮૮ અબજ ડોલર પર પહોંચી ગયું છે. આ સિવાય વિદેશી રોકાણોમાંથી મળેલી ઊંચી ઉપજ અને કરન્‍સી પ્રિન્‍ટિંગ પ્રવૃત્તિઓમાંથી થયેલી આવકે પણ RBI  નફામાં મોટો ભાગ ભજવ્‍યો છે.

આ અઢળક નાણાં મળવાથી સરકારને દેશના વિકાસ કાર્યો, ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પ્રોજેક્‍ટ્‍સ અને રાજકોષીય ખાધને અંકુશમાં રાખવામાં ખૂબ જ મોટી મદદ મળશે. જોકે, આ સંભવિત ચૂકવણી અંગે રિઝર્વ બેંક દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્‍પણી કરવામાં આવી નથી અને શુક્રવારની બેઠક બાદ જ ચિત્ર સ્‍પષ્ટ થશે.

 

(9:54 AM IST)