<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

રૂપિયાનું મૂલ્ય તૂટતું અટકાવવા આક્રમક મોડમાં RBI: ભારતીય ચલણને સ્થિર રાખવા મે મહિનામાં જ માર્કેટમાં ધડાધડ ૬ અબજ ડોલર વેચી નાખ્યા!

ક્રૂડ તેલના ભાવમાં ભડકો અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સેન્ટ્રલ બેંકનો મોટો નિર્ણય: ચાલુ નાણાકીય વર્ષમાં પ૭૩.૧૩ અબજ ડોલરની રેકોર્ડબ્રેક વેચવાલી સાથે વિદેશી હૂંડિયામણ જાળવવાનો પ્રયાસ

મુંબઈ : વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં થયેલા ભારે ઉછાળા અને આંતરરાષ્ટ્રીય અસ્થિરતા વચ્ચે ભારતીય રૂપિયાના મૂલ્યને કડાકાથી બચાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આક્રમક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ, મધ્યસ્થ બેંકે મે મહિના દરમિયાન કરન્સી માર્કેટમાં અબજો ડોલર ઠાલવીને રૂપિયાને ગગડતો અટકાવવા માટે મોટા પાયે ચોખ્ખી વેચવાલી કરી છે.

મે મહિનામાં ડોલરની ખરીદી અને વેચાણના આંકડા

આજે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાકીય અહેવાલ અનુસાર:

· ચોખ્ખી વેચવાલી: મે મહિનામાં RBI એ કરન્સી માર્કેટમાંથી કુલ ૨૨.૨ અબજ ડોલર નું વેચાણ કર્યું હતું, જેની સામે ૧૬.૨ અબજ ડોલર ની ખરીદી કરી હતી. આમ, મે મહિનામાં જ બેંકે ૬ અબજ ડોલરની ચોખ્ખી વેચવાલી નોંધાવી છે.

· રૂપિયા પર અસર: RBI ના આ સમયસરના હસ્તક્ષેપના કારણે જ મે મહિનામાં અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં માત્ર ૦.૧ ટકા નો જ મામૂલી ઘટાડો નોંધાયો હતો, જે અન્ય વિદેશી ચલણોની સરખામણીએ ઘણો ઓછો છે.

· એપ્રિલનો આંકડો: આ પહેલા એપ્રિલ મહિનામાં પણ રિઝર્વ બેંકે રૂપિયાને ટેકો આપવા માટે ૮.૯૫ અબજ ડોલર ની મોટી ચોખ્ખી વેચવાલી કરી હતી.

નાણાકીય વર્ષમાં સર્વોચ્ચ વેચવાલીનો નવો રેકોર્ડ

આંકડા દર્શાવે છે કે રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વિદેશી હૂંડિયામણ બજારમાં કુલ ૫૩.૧૩ અબજ ડોલર ની ચોખ્ખી વેચવાલી કરી છે. કોઈ એક નાણાકીય વર્ષમાં મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી (ઓલ-ટાઇમ હાઇ) ડોલર વેચવાલી છે.

આ સિવાય, ફોરવર્ડ માર્કેટમાં રિઝર્વ બેંકની આઉટસ્ટેન્ડિંગ નેટ શોર્ટ ડોલર પોઝીશન પણ એપ્રિલના ૯૫.૩ અબજ ડોલરથી વધીને મે મહિનાના અંત સુધીમાં ૧૦૬.૭ અબજ ડોલર ની સપાટીએ પહોંચી ગઈ છે, જે દર્શાવે છે કે આરબીઆઈ રૂપિયાની સ્થિરતા જાળવી રાખવા માટે તમામ મોરચે સક્રિય છે.

 

(8:30 PM IST)