<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

'રવિશંકર પ્રસાદએ પહેલા પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈ' બ્રિક્સ મુદ્દે ચિદમ્બરમના નિવેદન અને IMF પર પવન ખેડાનો પલટવાર

પવન ખેડાએ કહ્યું- IMF સત્તાવાર આંકડાઓનું સમર્થન કરતું નથી, ત્યારે તે કોઈ એજન્ટ જેવું દેખાવા લાગે છે જ્યારે IMF તમારા કામનું સમર્થન કરે કે પ્રશંસા કરે, ત્યારે તેની ભવ્ય ઉજવણી શરૂ કરી દો છો

નવી દિલ્હી :BRICS સમિટ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમના નિવેદન અને ભાજપ દ્વારા કરવામાં આવેલી ટીકાઓ વચ્ચે કોંગ્રેસ નેતા પવન ખેડાએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. ચિદમ્બરમના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં પવન ખેડાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય રાખવાનો અને તેને મુક્તપણે વ્યક્ત કરવાનો સંપૂર્ણ અધિકાર છે.

આ સાથે જ ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નિવેદન અંગે બોલતા પવન ખેડાએ કેન્દ્ર સરકાર અને ભાજપના બેવડા વલણ પર નિશાન સાધ્યું હતું. તેમણે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "જ્યારે IMF તમારા સત્તાવાર આંકડાઓનું સમર્થન કરતું નથી, ત્યારે તે તમને કોઈ એજન્ટ જેવું દેખાવા લાગે છે. બીજી તરફ, જ્યારે IMF તમારા કામનું સમર્થન કરે કે પ્રશંસા કરે, ત્યારે તમે તેની ભવ્ય ઉજવણી શરૂ કરી દો છો. તેથી રવિશંકર પ્રસાદે પહેલા પોતાનું મન બનાવી લેવું જોઈએ કે તેઓ આખરે શું માનવા માંગે છે."

રાજકીય મંચ પર આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અને દેશની આર્થિક સ્થિતિને લઈને બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધ વચ્ચે પવન ખેડાના આ નિવેદનથી રાજકારણ વધુ ગરમાયું છે.

 

(8:49 PM IST)