તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
ડૂબતા વહાણમાંથી ભાગતા ઉંદરો : પાકિસ્તાન છોડીને ભાગી રહ્યા છે 2,500 સરકારી અધિકારીઓ: પોર્ટુગલ કેમ બન્યું અફીણ જેવું ઘેલું?
સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પોતાના જ અમલદારોના કાળા ચિઠ્ઠા ખોલ્યા: પાકિસ્તાન સરકારનો મજબૂત પગાર અને વૈભવ ભોગવીને વિદેશમાં કાળી કમાણીથી મિલકતો વસાવતી ટોળકી પર ભ્રષ્ટાચાર અને દેશદ્રોહના ગંભીર આક્ષેપો

-ઈસ્લામાબાદ: આર્થિક અને રાજકીય રીતે ખાંગા થઈ ચૂકેલા પાકિસ્તાનની ધરતી પરથી એક અત્યંત સનસનાટીભર્યો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેણે આખા દેશના શાસનતંત્રમાં હડકંપ મચાવી દીધો છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે દેશની જનતા સામે ખુલ્લેઆમ દાવો કર્યો છે કે પાકિસ્તાન સરકારના ૨,૫૦૦ થી વધુ ઉચ્ચ ફેડરલ અધિકારીઓ અને અમલદારો ગુપ્ત રીતે બેવડી નાગરિકતા ધરાવે છે અને દેશ છોડીને ભાગી જવાની ફિરાકમાં છે. પાકિસ્તાનની સરકાર પાસેથી આકર્ષક પગાર, વૈભવી બંગલા અને તમામ સુવિધાઓ મેળવતા આ અધિકારીઓએ કાળા ધોળા કરીને કેનેડા, અમેરિકા, બ્રિટન અને યુરોપના દેશોમાં પોતાના કાયમી ઠેકાણા બનાવી લીધા છે, જે શાસન વ્યવસ્થા પર એક મોટો કાળો ડાઘ સાબિત થઈ રહ્યો છે.
આ સમગ્ર કૌભાંડમાં સૌથી વધુ ચમકેલું નવું સરનામું 'પોર્ટુગલ' છે, જે પાકિસ્તાનના ભ્રષ્ટ અને શ્રીમંત અધિકારીઓ માટે અત્યારે હૉટસ્પોટ અને મનપસંદ સ્થળ બની ગયું છે. 'દ એક્સપ્રેસ ટ્રિબ્યુન'ના રિપોર્ટ અને ખુદ સંરક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની બાબુઓ પોર્ટુગલમાં મોટા પાયે લક્ઝરી પ્રોપર્ટીઓ અને મિલકતો ખરીદી રહ્યા છે. પોર્ટુગલની અત્યંત લવચીક 'રેસિડેન્સી-બાય-ઇન્વેસ્ટમેન્ટ' નીતિઓ અને ઇમિગ્રેશન કાયદાઓનો લાભ ઉઠાવીને આ સરકારી બાબુઓ યુરોપિયન યુનિયન (EU) માં મફતના ભાવે મુક્ત હિલચાલનો પાસપોર્ટ મેળવી રહ્યા છે. પરંતુ અહીં સૌથી મોટો અને ચિંતાજનક પ્રશ્ન એ ઊભો થાય છે કે, સરકારી તિજોરીના સામાન્ય પગાર પર જીવતા આ અધિકારીઓ પાસે વિદેશમાં કરોડો રૂપિયાની વૈભવી પ્રોપર્ટીઓ ખરીદવા માટે કાળું નાણું ક્યાંથી આવ્યું?
આ સમગ્ર ઘટનાક્રમ પર તીખો પ્રહાર કરતા ભારતીય ગુપ્તચર એજન્સીના પૂર્વ અધિકારી અને પાકિસ્તાન બાબતોના નિષ્ણાત તિલક દેવાશેરે જણાવ્યું છે કે પાકિસ્તાન પરથી હવે તેના પોતાના જ શાસકો અને અમલદારોનો વિશ્વાસ ઉઠી ગયો છે. તેમણે આકરી ટીકા કરતા કહ્યું કે, "જ્યારે કોઈ વહાણ ડૂબવાનું હોય ત્યારે સૌથી પહેલા ઉંદરો ભાગે છે; બિલકુલ તેવી જ રીતે દેશના વહીવટની ખબર ધરાવતા અમલદારો દેશ તૂટવાના ભયથી ભાગી રહ્યા છે." ૨૦૨૫ થી પાકિસ્તાનની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC) પણ સરકારી કૌભાંડોના નાણાંથી વિદેશમાં ગેરકાયદે સંપત્તિ વસાવનારા આ ભ્રષ્ટ અધિકારીઓ સામે તપાસ ચલાવી રહી છે, પરંતુ દેશ છોડીને ભાગવાની આ હોડ પાકિસ્તાનના ભવિષ્ય સામે ખૂબ મોટો ખતરો ઊભો કરી રહી છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
