News of Monday, 14th September 2026
હિમાલયમાં ગ્લેશિયર્સ પીગળવાની ઝડપ બેગણી વધી: નેપાળી પૂરની વિનાશક દાનવલીલા બાદ વૈજ્ઞાનિકોની ગંભીર ચેતવણી, ભારતના ૫૬ ગ્લેશિયર તળાવો પર તોળાતું મોટું જોખમ
સદીના મધ્ય સુધીમાં હિમાલય ક્ષેત્ર 'પીક વોટર' સપાટી વટાવશે; નદીઓમાં પાણીનો પ્રવાહ ઘટતાં લાખો લોકોની આજીવિકા, ખેતી અને જળ સુરક્ષા પર સર્જાશે મહાસંકટ

નવી દિલ્હી : નેપાળમાં તાજેતરમાં આવેલા ભીષણ પૂર અને કુદરતી હોનારત બાદ વૈજ્ઞાનિકોએ ક્લાયમેટ ચેન્જને લઈને અત્યંત ચોંકાવનારી ચેતવણી જારી કરી છે. હિમાલયના પર્વતોમાં વાતાવરણીય ફેરફારોના કારણે ગ્લેશિયરો અત્યાર સુધીના સૌથી ખતરનાક ટિપિંગ પોઈન્ટ તરફ આગળ વધી રહ્યા છે. એક દાયકા પહેલાંની તુલનામાં હવે ગ્લેશિયર પીગળવાની ઝડપ બેગણી વધી ગઈ છે, જે આગામી સમયમાં સમગ્ર દક્ષિણ એશિયામાં પાણીની ઉપલબ્ધતા અને માનવ જીવન પર ગંભીર અસરો ઊભી કરશે.
અભ્યાસ અનુસાર, આ દાયકાઓ દરમિયાન ગ્લેશિયર પીગળવાથી નદીઓમાં પાણીનો પ્રવાહ વધશે, પરંતુ સદીના મધ્ય સુધીમાં આ ક્ષેત્ર 'પીક વોટર' (પાણીના પ્રવાહની મહત્તમ સપાટી) સુધી પહોંચી જશે. ત્યાર બાદ નદીઓનું પાણી નાટ્યાત્મક રીતે ઘટવા લાગશે. આ ફેરફારથી ખેતીવાડી અને કરોડો લોકોની જળ સુરક્ષા પર સીધો ખતરો મંડરાઈ રહ્યો છે. તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં નેપાળ-તિબેત સીમા પર એક મોટો હિમાલયી ગ્લેશિયર ધરાશાયી થતાં સર્જાયેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનમાં નેપાળ અને તિબેટી વિસ્તારોમાં ૧,૩૦૦થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ૫,૩૦૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે.
ભારતના ૫૬ ગ્લેશિયર લેક 'હાઈ રિસ્ક' કેટેગરીમાં
ગ્લેશિયર પીગળવાથી તેમની પાછળ અસ્થિર સરોવરો (Glacial Lakes) બની રહ્યા છે, જે કાચા પથ્થરો અને બરફના ધસી પડવાથી ગમે ત્યારે ફાટી શકે છે. હિમાલય ક્ષેત્રમાં આશરે ૪૦,૦૦૦ ગ્લેશિયર આવેલા છે, જેમાંથી માત્ર ૨૧ પર જ પ્રત્યક્ષ દેખરેખ રાખી શકાઈ છે.
ભારતની વાત કરીએ તો અહીં આશરે ૨૦૦ ગ્લેશિયર તળાવો આવેલા છે, જેમાંથી ૫૬ સરોવરોને અત્યંત જોખમી ('હાઈ રિસ્ક') શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જો આ સરોવરો ફાટશે તો નીચાણવાળા વિસ્તારોમાં વસતા લાખો લોકો અને ઘાટીઓમાં વસેલા ગામડોઓ ક્ષણભરમાં તબાહ થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો ગ્લોબલ વોર્મિંગ પર તાત્કાલિક કાબૂ મેળવવામાં નહીં આવે તો હિમાલય ક્ષેત્રમાં આવી કુદરતી આફતોનું પ્રમાણ અનેકગણું વધી જશે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
