તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
લગ્ન માટે એક વર્ષ સુધી વિજયની પાછળ પડી હતી રશ્મિકા
‘કોફી વિથ કરણ ૯'ના પ્રોમોમાં કપલના અંગત જીવનનાં રસપ્રદ ખુલાસા

મુંબઈ,તા.૧૯: બોલિવૂડનો જાણીતો ફિલ્મમેકર કરણ જોહરના લોકપ્રિય સેલિબ્રિટી ચેટ શો ‘કોફી વિથ કરણ ૯'ના બીજા એપિસોડનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ વખતે શોમાં સાઉથ સિનેમાની લોકપ્રિય જોડી અને વાસ્તવિક જીવનમાં પતિ-પત્ની બનેલા વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના સાથે જોવા મળશે. પ્રોમોમાં બંનેએ પોતાની પ્રેમકહાની, લગ્ન અને એકબીજા સાથેના સંબંધો વિશે રમૂજી અંદાજમાં વાત કરી છે. ખાસ કરીને લગ્ન માટે પહેલ કોણે કરી હતી તે અંગેના ખુલાસાએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
શોના પ્રોમોમાં કરણ જોહર વિજય અને રશ્મિકાને પૂછે છે કે લગ્ન માટે પહેલ કોણે કરી હતી. આ સવાલના જવાબમાં વિજય હસતાં જણાવે છે કે રશ્મિકાએ જ તેને લગ્ન કરવાનું કહ્યું હતું. વિજયના જણાવ્યા અનુસાર, રશ્મિકાએ તેને લગભગ ૧૦૦ વાર પૂછ્યું હતું કે ચાલો, લગ્ન કરીએ. આ વાત સાંભળીને કરણ જોહર પણ રસપૂર્વક વાતચીત આગળ વધારે છે. રશ્મિકા પણ સ્વીકારે છે કે તે લગભગ એક વર્ષ સુધી વિજયને લગ્ન માટે પૂછતી રહી હતી. બંનેની આ વાતચીત દરમિયાન હળવી મજાક અને હાસ્ય જોવા મળે છે.
રશ્મિકાને જ્યારે તેના સહઅભિનેતાઓમાંથી રણબીર કપૂર અને અલ્લુ અર્જુનમાંથી કોઈ એકને પસંદ કરવાનું કહેવામાં આવે છે, ત્યારે તે અલ્લુ અર્જુનનું નામ લે છે. રશ્મિકાએ રણબીર કપૂર સાથે ફિલ્મ ‘એનિમલ' અને અલ્લુ અર્જુન સાથે ‘પુષ્પા'માં કામ કર્યું છે. આ સવાલના જવાબથી શોના પ્રોમોમાં વધુ એક રસપ્રદ ક્ષણ સર્જાય છે.
કરણ જોહરે વિજયને પૂછ્યું કે રશ્મિકા સિવાય કઈ અભિનેત્રી સાથે તેમની ઓન-સ્ક્રીન જોડી સારી લાગે છે. આ સવાલનો જવાબ આપતાં પહેલાં જ રશ્મિકાએ મજાકમાં કહ્યું કે બીજી કોઈ અભિનેત્રી નહીં. પત્નીના આ જવાબ પર વિજયે રમૂજી અંદાજમાં કહ્યું કે લગ્નજીવનનો પહેલો નિયમ છે કે હંમેશાં પત્નીની વાત સાથે સહમત રહેવું. વિજયની આ ટિપ્પણી સાંભળીને રશ્મિકા હસવા લાગે છે. પ્રોમોમાં બંને વચ્ચેની આ મસ્તી ચાહકોને ખાસ પસંદ આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહ ખાનગી રાખવામાં આવ્યો હતો, જેમાં બંનેનાં પારિવારિક રિવાજોને મહત્વ આપવામાં આવ્યું હતું. વિજયના પરિવારની તેલુગુ પરંપરા પ્રમાણે સવારે લગ્નવિધિ યોજાઈ હતી, જ્યારે સાંજે રશ્મિકાના કુર્ગી (કોડવા) સમુદાયની પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું. આ જોડી તાજેતરમાં તેમની ફિલ્મ ‘રાણાબલી'ને લઈને પણ ચર્ચામાં રહી છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
