News of Monday, 21st September 2026
દિલ્હીમાં ૭ વર્ષની નિર્દોષ બાળકી પર બળાત્કારથી ભારે જનઆક્રોશ: સ્થાનિકોએ ૩૪ વર્ષીય નરાધમને પકડી પોલીસને સોંપ્યો : કડક કાર્યવાહીની માંગ સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવો
દેશબંધુ ગુપ્તા રોડ વિસ્તારમાં સનસનાટી: પોક્સો અને BNS ની ગંભીર કલમો હેઠળ FIR : ઘટનાસ્થળે ભારે પોલીસ કાફલો ખડકાયો: પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના મધ્ય જિલ્લામાં એક અત્યંત શરમજનક અને ચકચારી ઘટના સામે આવી છે. દેશબંધુ ગુપ્તા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતી શિદિપુરા પોલીસ ચોકી ક્ષેત્રમાં ૭ વર્ષની માસૂમ બાળકી પર જાતીય હુમલો અને બળાત્કાર ગુજારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. સ્થાનિક રહીશોએ ૩૪ વર્ષીય આરોપીને રંગેહાથ પકડી પાડી પોલીસ હવાલે કર્યો હતો.
સાંજે ૬:૩૦ વાગ્યે સ્થાનિકો આરોપી અને પીડિતાને લઈને પોલીસ મથકે પહોંચ્યા: પોલીસ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ઘટના અહેવાલ મુજબ, સોમવાર, ૨૧ સપ્ટેમ્બરના રોજ સાંજે આશરે ૬:૩૦ વાગ્યે સ્થાનિક લોકો સાત વર્ષની પીડિત બાળકી, તેના પરિવારજનો અને પકડાયેલા આરોપીને સાથે લઈને શિદિપુરા પોલીસ ચોકી પર પહોંચ્યા હતા.
પકડાયેલા આરોપીની ઓળખ ૩૪ વર્ષીય અંકિત તરીકે થઈ છે, જે દિલ્હીના કિશનગંજ વિસ્તારનો રહેવાસી છે. સ્થાનિકોએ પોલીસને જણાવ્યું હતું કે આરોપી કિશનગંજ વિસ્તારમાં માસૂમ બાળકી પર જાતીય હુમલો કરતા ઝડપાઈ ગયો હતો. જે બાદ લોકોએ તેને પકડી પાડી પોલીસ સ્ટેશને લાવી તેની સામે સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક અસરથી બાળકીને તબીબી તપાસ માટે હોસ્પિટલ એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસની એક ટીમ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને પુરાવા એકત્ર કરી રહી છે.
ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થઈ ગયા હતા અને ઘેરાવો કરીને આરોપી સામે કડક સજાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
પરિસ્થિતિની ગંભીરતાને જોતાં મધ્ય જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વિરોધ કરી રહેલા લોકોને શાંત પાડ્યા હતા. શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સાવચેતીના ભાગરૂપે વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
