<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

​રામમંદિર દાન ચોરી કેસ: ૧૦૫ ચોરીની ઘટનાઓ છતાં FIRમાં ૨૧ દિવસનો વિલંબ કેમ? કૉંગ્રેસના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો

​ચંપત રાય અને અનિલ મિશ્રાને આરોપી બનાવવાને બદલે સાક્ષી કેમ બનાવાયા? કૉંગ્રેસ નેતા જયરામ રમેશે વડાપ્રધાનની ચુપકીદી સામે સવાલો ઉઠાવ્યા; સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ નિષ્પક્ષ તપાસની માંગ

​નવી દિલ્હી / અયોધ્યા: અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા 'ચઢાવા' (દાન)ની ચોરીના મુદ્દે રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસ પાર્ટીએ રામમંદિર દાન ચોરી કેસની તપાસ સામે ગંભીર સવાલો ઉઠાવતા કેન્દ્ર સરકાર અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. સીસીટીવી ફૂટેજમાં ચોરીની ૧૦૫ ચોંકાવનારી ઘટનાઓ સામે આવ્યા બાદ પણ એફ.આઈ.આર. (FIR) નોંધવામાં ૨૧ દિવસનો વિલંબ કેમ થયો તે અંગે કૉંગ્રેસે જવાબ માંગ્યો છે.

​FIRમાં ૨૧ દિવસનો વિલંબ અને ૮ આરોપીઓ સામે જ કાર્યવાહી

કૉંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતા ચોરીના ૧૦૫ પ્રસંગો સામે આવ્યા હતા, તેમ છતાં પોલીસ તપાસમાં માત્ર ૮ લોકોને જ આરોપી બનાવવામાં આવ્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, "૪ જૂનના રોજ ચોરી થયેલી રકમ અંગેનો વીડિયો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય પાસે પહોંચ્યો હતો. ૫ જૂને સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા હતા, પરંતુ પોલીસમાં FIR ૨૫ જૂને દાખલ કરવામાં આવી હતી. આ ૨૧ દિવસના વિલંબ પાછળનું સાચું સત્ય દેશ સમક્ષ શા માટે બહાર લાવવામાં નથી આવતું?"

​મુખ્ય ટ્રસ્ટીઓને આરોપી બનાવવાને બદલે સાક્ષી બનાવ્યા

કૉંગ્રેસે ટ્રસ્ટના વડાઓ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. જયરામ રમેશે સવાલ કર્યો હતો કે જેમના સંરક્ષણ અને દેખરેખ હેઠળ આ ઘટનાઓ બની, તેવા ચંપત રાય અને અનિલ મિશ્રાને આ કેસમાં આરોપી બનાવવાની જગ્યાએ સાક્ષી કેમ બનાવવામાં આવ્યા છે? શું તપાસનો મુખ્ય હેતુ માત્ર નાના-મોટા ચોરોને પકડવાનો જ છે કે પછી ઘટના માટે જવાબદાર મોટા અધિકારીઓની જવાબદારી નક્કી કરવાનો પણ છે?

​રૂ. ૭૯.૮૫ લાખની જ રિકવરી સામે આશંકા

કૉંગ્રેસ નેતાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ૧૦૫ જેટલી ચોરીની ઘટનાઓ બની હોવા છતાં આ કેસમાં માત્ર રૂ. ૭૯.૮૫ લાખની જ રિકવરી બતાવીને મામલો રફેદફે કરવાનો (હશ-અપ) પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૌન વિષે ટિપ્પણી કરતા કહ્યું કે, "વડાપ્રધાનની ચુપકીદી દર્શાવે છે કે આરોપીઓને તેમનું સંરક્ષણ પ્રાપ્ત છે. સત્તાનો અહંકાર આત્મઘાતી સાબિત થાય છે."

​સુપ્રીમ કોર્ટની મોનિટરિંગ હેઠળ તપાસની માંગ

કૉંગ્રેસે દાવો કર્યો છે કે આટલા મોટા દાન કૌભાંડનું સત્ય બહાર લાવવા માટે સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખ હેઠળ જ નિષ્પક્ષ અને પારદર્શી તપાસ થવી જરૂરી છે, જેથી કરોડો શ્રદ્ધાળુઓ સાથે થયેલી આ વિશ્વાસઘાતની ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે.

(2:08 PM IST)