તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
ગુરૂવારે મહારાષ્ટ્રના નાગપુરમાં એક રેલીનું આયોજન
અભિજીત દીપકેએ ફરી કરી મોટી જાહેરાત, બંધારણ દિવસના અવસર પર લોકશાહીની રક્ષા માટે લોકોને એકજૂટ થવાનું આહ્વાન

નવી દિલ્હી તા.૨૪: કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકેએ ફરી મોટી જાહેરાત કરી હતી. અભિજીત દીપકેએ ગુરુવાર, ૨૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં એક રેલીનું આયોજન કર્યું છે. દર વર્ષે ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે અભિજીત દીપકેએ આ વખતે બંધારણ દિવસના અવસર પર લોકશાહીની રક્ષા માટે લોકોને એકજૂટ થવાનું આહ્વાન કર્યું છે.
અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, આ બંધારણ દિવસે આવો આપણે સૌ સાથે મળીને આપણી લોકશાહીની રક્ષા કરવા, બંધારણના મૂલ્યોને જાળવી રાખવા અને બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકર દ્વારા બતાવવામાં આવેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ લઈએ. ૨૬ નવેમ્બરે નાગપુરમાં આપ સૌ સાથે મુલાકાત થશે.
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ પોતાની X પોસ્ટમાં એક પોસ્ટરનો ફોટો પણ શેર કર્યો છે, જેમાં રેલીના આયોજન સ્થળ અને સમયની જાણકારી આપવામાં આવી છે. પોસ્ટર મુજબ, કોકરોચ જનતા પાર્ટી તરફથી ૨૬ નવેમ્બરે મહારાષ્ટ્રના નાગપુરમાં સાંજે ૪ વાગ્યે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દીપકે દ્વારા શેર કરવામાં આવેલા પોસ્ટરમાં બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરની તસવીર બતાવાઈ છે. તેમજ બેકગ્રાઉન્ડમાં તિરંગો પણજોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પોસ્ટમાં લોકશાહી બચાવો, બંધારણ બચાવાનું સૂત્ર પણ લખવામાં આવ્યું છે.
૨૨ નવેમ્બરે CJP ના સ્થાપક અભિજીત દીપકેએ પણજીમાં એક સભાને સંબોધી હતી. જ્યાં તેમણે રાજ્ય અને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર સામે ફરી એકવાર વોટ ચોરી નો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન દીપકેએ સરકાર સામાન્ય લોકોને અસર કરતા અસલી મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે ધાર્મિક વિભાજનને પ્રોત્સાહન આપી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
