<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

રાજપાલ યાદવનો વિસ્ફોટ: "માત્ર 5 કરોડ નહીં, એક પ્રેસ કોન્ફરન્સે મારા 22 કરોડ અને સપના બંને ડૂબાડી દીધા!"

2012ની ફિલ્મ 'આતા પતા લપતા' પાછળની વરવી વાસ્તવિકતા: 200 કલાકારોની મહેનત અને કરોડોનું રોકાણ માત્ર 3 દિવસમાં કેવી રીતે ખાખ થઈ ગયું?

મુંબઈ:  રાજપાલ યાદવ માટે વર્ષ 2012 એક સુવર્ણ તક સમાન હતું, જે ખૂબ જ ઝડપથી એક દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયું. તેમની મહત્વાકાંક્ષી ફિલ્મ "આતા પતા લપતા" ના નિર્માણ માટે તેમણે એક કંપની પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. પરંતુ, આ મામલો ત્યારે વણસ્યો જ્યારે ચેક બાઉન્સ થયા અને વિવાદ કોર્ટ તેમજ જેલ સુધી પહોંચ્યો. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં રાજપાલે સણસણતો ખુલાસો કર્યો કે આ વિવાદ માત્ર 5 કરોડનો નહોતો. તેમના મતે, જે પ્રોજેક્ટ પર તેમણે 22 કરોડ રૂપિયા પાણીની જેમ વહાવ્યા હતા, તેને માત્ર એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા નકારાત્મકતા ફેલાવીને રિલીઝના માત્ર 3 દિવસમાં જ થિયેટરોમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

અભિનેતાએ ભાવુક થતા જણાવ્યું કે, "જો મારો ઇરાદો ખોટો હોત તો હું 2012માં જ બધું છોડીને ભાગી ગયો હોત. ફિલ્મમાં 70% કામ પૂરું થયા પછી પણ 5 કરોડ બાકી હતા, જ્યારે હું 12 કરોડ પહેલેથી જ ખર્ચી ચૂક્યો હતો. અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજે જે ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કર્યું હોય, તે ફિલ્મને જનતા સુધી પહોંચવા જ ન દેવાઈ." રાજપાલનો આરોપ છે કે લેણદારોએ વકીલો સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને ફિલ્મની છબી એવી બગાડી કે 22 કરોડનો પ્રોજેક્ટ રાતોરાત શૂન્ય થઈ ગયો. આજે એ 22 કરોડની કિંમત 220 કરોડ રૂપિયા જેટલી છે, જેનું નુકસાન તેમણે એકલાએ અને તેમના પરિવારે ભોગવ્યું છે.

પોતાની દલીલ ચાલુ રાખતા રાજપાલે એમ પણ કહ્યું કે ફિલ્મ ફાઇનાન્સ એ 100 વર્ષ જૂનો સંબંધ છે, પરંતુ આ કેસમાં તેને એવી રીતે રજૂ કરવામાં આવ્યો જાણે કોઈ 50 હજાર કરોડનું કૌભાંડ થયું હોય. ફિલ્મમાં 200 મુખ્ય કલાકારો અને હજારો જુનિયર આર્ટિસ્ટ્સની મહેનત જોડાયેલી હતી. રાજપાલ યાદવના મતે, તેમનો ગુનો માત્ર એટલો હતો કે તેમણે એક મોટું સપનું જોયું હતું. હવે જ્યારે તેઓ ફરીથી ફિલ્મી પડદા પર સક્રિય થયા છે, ત્યારે આ ખુલાસો બોલિવૂડના ગલિયારાઓમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે.

(8:56 PM IST)