News of Wednesday, 29th July 2026
રાજમા અને પશ્મીનાથી લઈને બસોહલી પેઇન્ટિંગ સુધી... જમ્મુ-કાશ્મીરના આ ૮ અદભૂત ઉત્પાદનોને મળ્યો 'GI ટેગ'; વૈશ્વિક સ્તરે ચમક્યો પૃથ્વી પરના સ્વર્ગનો અનોખો વારસો!
કઠુઆની કલાત્મક પેઇન્ટિંગ્સથી લઈને રામબનના પ્રખ્યાત 'સુલાઈ મધ' અને ભદરવાહના રાજમા સુધીની ખાસિયતો; જાણો જમ્મુ અને કાશ્મીરને ગૌરવ અપાવતી આઠ અનોખી ઓળખ વિશે.

શ્રીનગર : પૃથ્વી પરના સ્વર્ગ તરીકે ઓળખાતા જમ્મુ અને કાશ્મીરની માત્ર પ્રાકૃતિક સુંદરતા જ નહીં, પરંતુ ત્યાંની સંસ્કૃતિ અને પરંપરાગત ચીજવસ્તુઓ પણ આખી દુનિયામાં બેજોડ છે. છેલ્લા કેટલાક સમયથી જમ્મુ અને કાશ્મીરના અનોખા અને સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે માન્યતા મળી રહી છે. પ્રદેશની સમૃદ્ધ સંસ્કૃતિ, કુદરતી સંસાધનો અને સદીઓ જૂની કારીગરીને જીવંત રાખતી કુલ ૮ વિશેષ વસ્તુઓને 'GI ટેગ' (ભૌગોલિક સૂચક ટેગ) પ્રાપ્ત થયો છે, જેણે આ પ્રદેશનું ગૌરવ વધાર્યું છે.
૧. બસોહલી પેઇન્ટિંગ્સ (કઠુઆ)
જમ્મુના કઠુઆ જિલ્લાના બસોહલી પ્રદેશમાં બનતી આ પેઇન્ટિંગ્સ જગવિખ્યાત છે. તેની ખાસિયત એ છે કે તેમાં સોના અને ચાંદીના રંગોનો અદ્ભુત ઉપયોગ થાય છે; દાગીનાને શણગારવા માટે અસલી સોનાનો અને કપડાં તથા બારીઓ માટે ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચિત્રોમાં દેવી ભદ્રકાલી, રામાયણ, ભાગવત પુરાણ અને શિવ-પાર્વતીની પૌરાણિક ગાથાઓને સુંદર રીતે કંડારવામાં આવે છે.
૨. બસોહલી પશ્મીના
લદ્દાખની પ્રખ્યાત 'ચાંગથંગી' બકરીના અત્યંત બારીક ઊનમાંથી આ પશ્મીના શાલ અને વસ્ત્રો બનાવવામાં આવે છે. સ્થાનિક કારીગરો દ્વારા હાથથી કાંતણ કરીને તૈયાર થતી આ શાલ તેની હળવાશ, અતિશય નરમાઈ અને હૂંફ માટે આખી દુનિયામાં લોકપ્રિય છે.
૩. રાજૌરી ચિકરી વુડ ક્રાફ્ટ (ચિકરી લાકડાની હસ્તકલા)
હિમાલયના બોક્સવુડમાંથી બનતી આ હસ્તકલા રાજૌરી અને પૂંચની ટેકરીઓમાં જ જોવા મળે છે. મધ જેવા હળવા રંગનું આ મજબૂત લાકડું કોતરણી માટે ઉત્તમ માનવામાં આવે છે. પ્રવાસીઓ આ લાકડામાંથી બનેલા સુંદર કાંસકા, બોક્સ અને ગિફ્ટ આઈટમ્સ મોટી સંખ્યામાં ખરીદે છે.
૪. ભદરવાહ રાજમા અને બાસમતી ચોખા
ડોડા જિલ્લાની ચિંતા ખીણમાં ઉગાડવામાં આવતા 'ભદરવાહ રાજમા' કદમાં નાના પણ સ્વાદમાં હળવા ગળ્યા અને અત્યંત કોમળ હોય છે. આ ઉપરાંત, આર.એસ. પુરા અને અખનૂર વિસ્તારમાં પેદા થતા 'જમ્મુ બાસમતી ચોખા' તેમની અદભૂત સુગંધ અને લાંબા દાણા માટે દેશભરમાં પ્રખ્યાત છે.
૫. રામબન સુલાઈ મધ
રામબન અને ડોડાના પહાડી વિસ્તારોમાં થતા સુલાઈ છોડના ફૂલોમાંથી મળતું આ મધ તેના ઉત્તમ આયુર્વેદિક ગુણધર્મો માટે જાણીતું છે. કુદરતી જંગલો અને પરંપરાગત મધમાખી ઉછેરને કારણે આ મધનો સ્વાદ અને સુગંધ સાચે જ અનોખી છે.
૬. ઉધમપુર કલાદી (પારંપરિક ચીઝ)
ઉધમપુરના રામનગરનું આ પ્રખ્યાત પરંપરાગત ચીઝ છે, જેને જમ્મુનું 'મોઝેરેલા' પણ કહેવામાં આવે છે. તાજા દૂધમાંથી બનતી કલાદીને તળ્યા પછી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે, જેને બન સાથે ખાવાની મજા પડી જાય છે.
૭. રામબન અનારદાના
પહાડી અને જંગલી વિસ્તારોમાં થતા જંગલી દાડમના સૂકા બીજમાંથી આ તૈયાર થાય છે. સ્થાનિક લોકો તેનો ઉપયોગ મસાલા, ચટણી અને આયુર્વેદિક ઔષધિઓ તરીકે કરે છે.
GI ટેગ એટલે શું?
જ્યારે કોઈ ઉત્પાદન ચોક્કસ ભૌગોલિક પ્રદેશની વિશેષ આબોહવા, માટી અથવા પરંપરાગત કળાને આભારી હોય, ત્યારે તેને કાનૂની સુરક્ષા અને વૈશ્વિક ઓળખ આપવા માટે 'GI ટેગ' આપવામાં આવે છે. આ ટેગ મળવાથી સ્થાનિક ખેડૂતો અને કારીગરોને સીધો આર્થિક લાભ થાય છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
