<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

રાજકોટ: NEET PG પરીક્ષામાં મોડા પહોંચેલા વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા હોબાળો: પુત્રીને એન્ટ્રી ન મળતા માતા બેભાન થયા

વર્ષોની મહેનત બાદ માત્ર થોડી મિનિટોના વિલંબના કારણે પરીક્ષા આપવાથી વંચિત રહી જવું પડે તેવી સ્થિતિ સર્જાતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

રાજકોટ: દેશભરમાં લેવાયેલી NEET PG પરીક્ષા દરમિયાન રાજકોટની આત્મીય યુનિવર્સિટી પરીક્ષા કેન્દ્ર પર એક હૃદયદ્રાવક અને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. નિર્ધારિત સમય કરતાં મોડા પહોંચેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પોતાની પુત્રીને પરીક્ષામાં પ્રવેશ ન મળવાના આઘાત અને ચિંતાને કારણે તેની માતા પરીક્ષા કેન્દ્ર બહાર જ બેભાન થઈ ગયા હતા, જેને લઈને વાતાવરણ વધુ તણાવપૂર્ણ બન્યું હતું.
પરીક્ષાનું વ્યાપક આયોજન અને આંકડાઓ
આજે દેશભરમાંથી અંદાજે 2.73 લાખ વિદ્યાર્થીઓ NEET PGની પરીક્ષા આપી રહ્યા છે, જેમાં માત્ર ગુજરાત રાજ્યમાંથી જ આશરે 15,000 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. રાજકોટ શહેરમાં ચાર મહત્વના કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આત્મીય યુનિવર્સિટી અને મેટોડા ખાતે આવેલા પરીક્ષા કેન્દ્રો પર કુલ 1,238 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે.
નિયમોની કડકાઈ અને વાલીઓનો રોષ
NEET PG જેવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એન્ટ્રી માટેના સમય અને નિયમો અત્યંત કડક હોય છે. પરીક્ષા કેન્દ્રના સંચાલકો દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવતા મોડા પડેલા કેટલાક વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. વર્ષોની મહેનત બાદ માત્ર થોડી મિનિટોના વિલંબના કારણે પરીક્ષા આપવાથી વંચિત રહી જવું પડે તેવી સ્થિતિ સર્જાતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ઘટનાસ્થળે ઉપસ્થિત વાલીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી કે ટ્રાફિક કે અન્ય અવાસ્તવિક કારણોસર થોડીવાર મોડું થતાં જ ભવિષ્ય સાથે ચેડાં થતા અટકાવવા માટે થોડી માનવીય અભિગમ અપનાવવો જોઈએ. જોકે, કેન્દ્રના સત્તાધીશોએ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાના માર્ગદર્શિકા અને કડક નિયમોનું પાલન કરવાનુંડ અદ્રશ્ય કારણ આપી પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. બેભાન થયેલા માતાને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સંભાળ લેવામાં આવી હતી, જેના કારણે પરિસરમાં થોડીવાર માટે ભારે દોડધામ મચી ગઈ હતી.

 

(12:35 PM IST)