તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
રજત શર્મા અને ઈન્ડિયા ટીવીના ડીપફેક પર દિલ્હી હાઈકોર્ટની લાલ આંખ: પત્રકારના વ્યક્તિત્વ અધિકારોનું હનન કરનારા AI વીડિયો પર આજીવન પ્રતિબંધ, ઓનલાઈન ચેનલો સામે આકરો ચૂકાદો
પત્રકારના ચહેરા, અવાજ અને બ્રાન્ડનો દુરુપયોગ કરનારાઓને કોર્ટનો સખત ઠપકો: ગૂગલ અને મેટાને ૩૬ કલાકમાં વિવાદિત કન્ટેન્ટ દૂર કરવા આદેશ

નવી દિલ્હી : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડીપફેકના વધતા જતાં ગંભીર દુરુપયોગ સામે દિલ્હી હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. જાણીતા જર્નાલિસ્ટ રજત શર્મા અને તેમની ચેનલ 'ઈન્ડિયા ટીવી'ની બનાવટી છબીઓ, ફેક વીડિયો તેમજ અવાજનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવતી વિવિધ ઓનલાઈન ચેનલો, યુટ્યુબ આઈડી અને સંસ્થાઓ પર કોર્ટે કાયમી પ્રતિબંધ મૂકી દીધો છે.
જસ્ટિસ જ્યોતિ સિંહે આ કેસની સુનાવણી દરમિયાન પત્રકાર રજત શર્માના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારો (Personality and Publicity Rights) તેમજ ઈન્ડિયા ટીવીના બૌદ્ધિક સંપદા અધિકારો (IPR)નું રક્ષણ કરતા આદેશો આપ્યા હતા. અરજદાર દ્વારા કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે કેટલીક યુટ્યુબ ચેનલો અને ડિજિટલ પ્લેટફોર્મ્સ AI ટેકનોલોજીથી રજત શર્માના અવાજ અને ચહેરાને વિકૃત કરીને એડિટ કરેલા વીડિયો દ્વારા દેશમાં ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને ઈન્ડિયા ટીવીના રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે.
આ મામલે અદાલતે ટેક ગ્રાહકો મેટા (Meta) અને ગૂગલ (Google) માટે પણ કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. કોર્ટે રજત શર્મા અને ઈન્ડિયા ટીવીને એ છૂટ આપી છે કે તેઓ પોતાના નામ, અવાજ કે વીડિયોના દુરુપયોગ અંગેની કોઈ પણ નવી URL અથવા સામગ્રી અંગે સીધો પ્લેટફોર્મ્સનો સંપર્ક કરી શકશે. આવી ફરિયાદો મળ્યાના ૨૪ કલાકમાં પ્લેટફોર્મ્સે પહોંચ આપવી પડશે અને ૩૬ કલાકની અંદર તે વિવાદિત સામગ્રીને પ્લેટફોર્મ પરથી હટાવવાની પ્રક્રિયા પૂરી કરવી પડશે.
આ ઉપરાંત, અદાલતે ભારત સરકારના માહિતી અને પ્રૌદ્યોગિકી મંત્રાલય તેમજ ટેલિકોમ્યુનિકેશન વિભાગને પણ આવી ઉલ્લંઘન કરતી વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને તાત્કાલિક અસરથી બ્લોક કરવાની સુવિધા પૂરી પાડવા આદેશ આપ્યો છે. AIના યુગમાં સેલિબ્રિટીઓ અને વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા લોકોની પ્રોફાઇલ સુરક્ષિત રાખવાની દિશામાં હાઈકોર્ટનો આ આદેશ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
