તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
વિદ્યાર્થીઓને ‘શેતાન’ અને ‘મક્ખી’ જેવા અપમાનજનક નામોથી મુક્તિ અપાવવાનું રાજસ્થાન સરકારનું ‘સાર્થક’ અભિયાન આખરે વિવાદોના વંટોળમાં હોમાયું
હજારો બાળકોના હાસ્યાસ્પદ નામો બદલીને આત્મવિશ્વાસ વધારવાના ઉમદા આશય સાથે શરૂ કરાયેલા પ્રોજેક્ટમાં છબરડાઓ બહાર આવતા અને નવા સૂચવેલા નામોમાં પણ ભૂલો જણાતા શિક્ષણ વિભાગે ભારે ફજેતી બાદ પીછેહઠ કરી

જયપુર:રાજસ્થાનના શિક્ષણ જગતમાં એક વિચિત્ર અને ચકચારી કિસ્સો સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓના અજીબોગરીબ નામો સુધારવા માટે શરૂ કરાયેલું 'સાર્થક નામ અભિયાન' સરકારે ભારે વિરોધ વચ્ચે પાછું ખેંચવાની ફરજ પડી છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં બૂરી નજરથી બચવા માટે બાળકોના નામ 'શેતાન', 'ગધે પ્રસાદ', 'ભયંકર' કે 'મક્ખી' રાખવાની પરંપરા છે, જેના કારણે બાળકો શાળામાં મજાકનું પાત્ર બનતા હતા. આ માનસિક લઘુતાગ્રંથિ દૂર કરવા શિક્ષણ મંત્રી મદન દિલાવરે કવાયત હાથ ધરી હતી, પરંતુ વહીવટી સ્તરે થયેલી મોટી ક્ષતિઓએ સમગ્ર અભિયાન પર પાણી ફેરવી દીધું છે.
વિવાદ ત્યારે વકર્યો જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ૨,૯૦૦ નવા 'સાર્થક' નામોની યાદીમાં ગંભીર છબરડાઓ જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, જે નામોથી મુક્તિ અપાવવાની હતી તેવા જ 'અહંકાર' અને 'ઉગ્ર સિંહ' જેવા નામો ફરીથી યાદીમાં સ્થાન પામ્યા હતા. એટલું જ નહીં, લિંગભેદ ભૂલીને છોકરીઓ માટે 'ચાણક્ય' અને છોકરાઓ માટે 'ગંગોત્રી' જેવા નામો સૂચવવામાં આવતા સોશિયલ મીડિયા પર સરકારની ભારે ટીકા થઈ હતી. શિક્ષણવિદોએ પણ સવાલ ઉઠાવ્યા હતા કે આટલી મોટી સંખ્યામાં નામો બદલવાથી આધાર કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજોમાં કાયદાકીય ગૂંચવણો ઊભી થઈ શકે છે.
ચારેબાજુથી ઘેરાયેલી સરકાર અને શિક્ષણ વિભાગે આખરે આ આદેશ તાત્કાલિક અસરથી રદ કર્યો છે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે આ યાદી માત્ર એક માર્ગદર્શન તરીકે હતી અને ફરજિયાત નહોતી, પરંતુ વાલીઓ અને વિપક્ષના આકરા પ્રહાર બાદ હાલ પૂરતું આ અભિયાન થંભાવી દેવાયું છે. સામાજિક કાર્યકરોનું કહેવું છે કે સરકાર નામો બદલવાને બદલે શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ભાર મૂકે તે વધુ જરૂરી છે. હાલમાં આ વિવાદિત લિસ્ટમાં સુધારો કરવાની ખાતરી સાથે પ્રશાસને નમતું જોખ્યું છે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
