<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

રાજસ્થાન નાગરિક ચૂંટણી ૨૦૨૬: ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં મોટો ભંગાણ, વરિષ્ઠ નેતાઓના દબદબા પર ઊભા થયા સવાલો

ભરતપુરમાં અપક્ષોનો દબદબા સાથે ઝાલાવાડ અને બિકાનેરમાં કોંગ્રેસનો પંજો બુલંદ: ૨૦૨૮ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે લાલબત્તી

જયપુર:  રાજસ્થાનમાં વર્ષ ૨૦૨૬ની નાગરિક ચૂંટણીના પરિણામો સામે આવતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજ્યના અગ્રણી અને વરિષ્ઠ નેતાઓના પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં જ જનાદેશ બદલાતા ૨૦૨૮ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને પ્રદેશ પ્રમુખ મદન રાઠોડના ગઢમાં જ ભાજપને ભારે રાજકીય ઝટકો લાગ્યો છે.

દિગ્ગજ નેતાઓના વિસ્તારોમાં આંકડાકીય પરિસ્થિતિ:

જોધપુર (કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતનો ગઢ): ૧૦૦ વોર્ડવાળા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ અને કોંગ્રેસ બંને ૪૪-૪૪ બેઠકો સાથે બરાબરી પર છે, જ્યારે ૧૧ બેઠકો અન્યના ફાળે ગઈ છે અને ૧ બેઠકનું પરિણામ બાકી છે.

ઝાલાવાડ (પૂર્વ સીએમ વસુંધરા રાજેનો વિસ્તાર): ૪૫ બેઠકોમાંથી ૨૯ બેઠકો પર કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા આંચકી લીધી છે. ઝાલાવાડની ૮ પાલિકાઓમાંથી ૪માં કોંગ્રેસ અને ૩માં ભાજપને જીત મળી છે.

બિકાનેર (કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલનો વિસ્તાર): ૮૦ વોર્ડમાંથી કોંગ્રેસે ૪૨ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે ભાજપને માત્ર ૨૭ બેઠકો મળી છે.

ભરતપુર (મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો ગૃહ જિલ્લો): ૬૫ વોર્ડમાં અપક્ષોએ ૩૬ બેઠકો પર જીત મેળવી બંને પક્ષોના ગણિત વિખેરી નાખ્યા છે. અહીં ભાજપને ૨૦ અને કોંગ્રેસને માત્ર ૭ બેઠકો મળી છે.

પાલી (ભાજપ પ્રદેશ પ્રમુખ મદન રાઠોડનો ગૃહ જિલ્લો): ૬૫ બેઠકોમાંથી કોંગ્રેસ ૨૯ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે, જ્યારે ભાજપને ૨૧ અને અપક્ષોને ૧૫ બેઠકો મળી છે.

અજમેર: ૮૦ વોર્ડમાંથી કોંગ્રેસ ૩૭ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે, ભાજપને ૩૨ અને ૧૧ જગ્યાએ અપક્ષો વિજેતા બન્યા છે.

આ ચૂંટણી પરિણામોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સત્તાધારી પક્ષ ભાજપ સામે અનેક શહેરોમાં સ્થાનિક સ્તરે નારાજગી જોવા મળી છે. ખાસ કરીને ભરતપુર, અજમેર અને પાલી જેવા વિસ્તારોમાં અપક્ષ ઉમેદવારોની મોટી જીતે ભાજપ અને કોંગ્રેસ બંનેના સ્થાનિક સમીકરણો બદલી નાખ્યા છે.

(10:27 PM IST)