<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

રાજા રઘુવંશી હત્‍યા કેસઃ સુપ્રીમ કોર્ટનો સોનમ રઘુવંશીને ઝટકોઃ જામીન રદ

૩ અઠવાડિયામાં સરેન્‍ડર કરવાનો આદેશ

ઇન્‍દોર, તા.૨૩: દેશભરમાં ભારે ચર્ચાસ્‍પદ બનેલા ચર્ચેત રાજા રઘુવંશી હત્‍યા કેસમાં મુખ્‍ય આરોપી સોનમ રઘુવંશીને સર્વોચ્‍ચ અદાલતમાંથી આંચકાજનક સમાચાર સાંપડ્‍યા છે. મેઘાલય હાઈકોર્ટ દ્વારા સોનમને મંજૂર કરવામાં આવેલા જામીનને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધા છે. રાજ્‍ય સરકાર દ્વારા હાઈકોર્ટના આદેશ સામે સર્વોચ્‍ચ અદાલતમાં પડકાર ફેંકવામાં આવ્‍યો હતો, જ્‍યાં કાનૂની પાસાઓ અને કેસની ગંભીરતા ધ્‍યાને રાખીને કોર્ટે સોનમ રઘુવંશીને આવનાર ૩ અઠવાડિયાની અંદર સંબંધિત ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્‍મસમર્પણ (સરેન્‍ડર) કરવાનો સ્‍પષ્ટ અને આકરો નિર્દેશ આપ્‍યો છે.

સુનાવણી દરમિયાન જસ્‍ટિસ બેંચે આરોપી સોનમ રઘુવંશી સામે બે વિકલ્‍પો મૂકયા હતા. જેમાં પ્રથમ વિકલ્‍પ મુજબ તેણે સરેન્‍ડર કરી સાક્ષીઓના મહત્‍વના નિવેદનો નોંધાયા બાદ નવી જામીન અરજી કરવાની રહેશે, અન્‍યથા કોર્ટ મેરિટના આધારે આકરો નિર્ણય લેશે. અંતે સુપ્રીમ કોર્ટે મેઘાલય સરકારની વિનંતીને ગ્રાહ્ય રાખીને જામીન રદ કરવાનો આદેશ આપ્‍યો હતો. સાથે જ અદાલતે આશ્વાસન આપતાં ટાંકયું હતું કે જો ટ્રાયલ પ્રક્રિયામાં અતિશય વિલંબ થશે, તો આરોપી છ મહિના પછી પુનઃ જામીન મેળવવા માટે અરજી દાખલ કરવા મુક્‍ત રહેશે.

મેઘાલય સરકારે કોર્ટ સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે આ હત્‍યા કેસ અત્‍યંત ગંભીર અને સંવેદનશીલ છે. આવા તબક્કે આરોપી મુક્‍ત રહેવાથી તપાસ અને સાક્ષીઓ પર અસર પડી શકે છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ તપાસ એજન્‍સીઓ ફરી એકવાર સક્રિય બની ગઈ છે. આ ચુકાદાથી પીડિત પરિવારને ન્‍યાયની આશા બંધાઈ છે, જ્‍યારે બીજી તરફ સોનમ રઘુવંશી માટે જેલના સળિયા પાછળ જવું હવે અનિવાર્ય બની ગયું છે.

(3:17 PM IST)