તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
હિમાચલ પ્રદેશમાં વરસાદ અને કુદરતી આપત્તિનો કહેર :કુલ 369 લોકોનાં મોત : ₹3,219.82 કરોડથી વધુનું નુકસાન
રાજ્ય આપાતકાલીન કામગીરી કેન્દ્ર (SEOC)ના આંકડા પ્રમાણે 30 જૂનથી 26 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ આપત્તિઓ અને માર્ગ અકસ્માતોમાં કુલ 369 લોકોનાં મોત થયા

હિમાચલ પ્રદેશમાં ચોમાસાની વિદાય બાદ પણ વરસાદ અને કુદરતી આપત્તિની અસર યથાવત છે. રાજ્ય આપાતકાલીન કામગીરી કેન્દ્ર (SEOC)ના તાજા આંકડા પ્રમાણે 30 જૂનથી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન વિવિધ આપત્તિઓ અને માર્ગ અકસ્માતોમાં કુલ 369 લોકોનાં મોત થયા છે. આ સમયગાળામાં રાજ્યને ₹3,219.82 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
રિપોર્ટ મુજબ કુલ મૃત્યુમાંથી 149 લોકોનાં મોત વિવિધ કુદરતી આપત્તિઓમાં થયા છે, જ્યારે 220 લોકો માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવી ચૂક્યા છે. સૌથી વધુ મૃત્યુ શિમલા જિલ્લામાં 56 નોંધાયા છે. ત્યારબાદ ચંબા અને કાંગડા જિલ્લામાં 45-45 તથા મંડી જિલ્લામાં 37 લોકોનાં મોત થયા છે.
ચોમાસા દરમિયાન 615 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત 579 પશુઓનાં મોત થયા છે. ભારે વરસાદ અને અન્ય આપત્તિઓને કારણે 43 પાકાં અને 101 કાચાં મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે, જ્યારે અનેક મકાનોને આંશિક નુકસાન થયું છે.
હિમાચલમાં વરસાદ અને કુદરતી આપત્તિઓની અસરથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ અને બાગાયત ક્ષેત્રને પણ મોટું નુકસાન થયું છે. રાજ્યમાં ચોમાસા દરમિયાન અત્યાર સુધી ₹3,219.82 કરોડથી વધુનું નુકસાન નોંધાયું છે.
27 સપ્ટેમ્બરની સવારે 10 વાગ્યાના આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ 62 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ હતા. લાહૌલ-સ્પીતિમાં 25, મંડીમાં 19 તથા કાંગડા અને કુલ્લુમાં 6-6 રસ્તાઓ અસરગ્રસ્ત છે. વરસાદને કારણે રાજ્યમાં 277 વીજ ટ્રાન્સફોર્મર પણ ખોરવાયા છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદનો ખતરો હજુ સંપૂર્ણપણે ટળ્યો નથી. હવામાન વિભાગે 27 સપ્ટેમ્બરે સિરમૌર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મંડી, સોલન અને શિમલા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ સાથે પવનની ચેતવણી આપવામાં આવી છે. 28 સપ્ટેમ્બરે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
