તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
ચિત્રકૂટમાં વરસાદે સર્જ્યો જળપ્રલયઃ મંદાકિની તોફાની બની, ઘરોની છત સુધી પાણી પહોંચતાં લોકોમાં ભારે દહેશત
૧૦૦થી વધુ પરિવારો પૂરથી અસરગ્રસ્તઃ ૮૦થી વધુ કાચા મકાનો તૂટી પડ્યા, ઘરવખરી અને અનાજ પાણીમાં વહી ગયા: રામઘાટ સહિત અનેક વિસ્તારો જળબંબાકારઃ સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડાયા, વીજળી-પાણીની વ્યવસ્થા પણ ખોરવાઈ

ચિત્રકૂટ:ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સરહદે આવેલા ચિત્રકૂટ વિસ્તારમાં ભારે વરસાદ બાદ મંદાકિની સહિતની નદીઓમાં પૂર આવતાં અનેક વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ છે. ચિત્રકૂટના કેટલાક વિસ્તારોમાં પાણી ઘરોની છત સુધી પહોંચી ગયું હતું અને રસ્તાઓ નહેર જેવા બની ગયા હતા.
મંદાકિની નદી રામઘાટ વિસ્તારમાં જોખમી સપાટીથી લગભગ ત્રણ મીટર ઉપર વહેતી હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે. રામઘાટ સહિત માનિકપુરના અનેક વિસ્તારોમાં દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી ગયું છે. આશરે ૧૦૦ દુકાનો અને સેંકડો મકાનો પાણીથી અસરગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
પૂરના કારણે ૧૦૦થી વધુ પરિવારો અસરગ્રસ્ત થયા છે અને ૮૦થી વધુ કાચા મકાનો ધરાશાયી થયા હોવાનું નોંધાયું છે. અનેક પરિવારોનું અનાજ, કપડાં, ઘરવખરી અને જરૂરી સામાન પાણીમાં તણાઈ ગયો છે. કેટલાક વિસ્તારોમાં વીજળી પુરવઠો ઠપ થતાં પીવાના પાણીની વ્યવસ્થા પણ ખોરવાઈ હતી.
ઉત્તર પ્રદેશના અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન ૬૮૮ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું તંત્રએ જણાવ્યું છે. બીજી તરફ મધ્ય પ્રદેશ તરફના ચિત્રકૂટ-સતના વિસ્તારમાં પણ ૭૦૦થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. બંને રાજ્યોના તંત્રએ નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવી રાહત શિબિરો અને ભોજનની વ્યવસ્થા હાથ ધરી છે.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
