તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
ટ્રેનના રિઝર્વ્ડ કોચમાં ચોરી થતાં રેલવેને ફટકાર: પીડિત મુસાફરને ૯% વ્યાજ સાથે રૂ. ૧.૨૦ લાખ અને રૂ. ૨૫ હજારનું વળતર ચૂકવવા હુકમ
૨૦૧૪ના ચોરી કેસમાં દિલ્હી રાજ્ય ગ્રાહક આયોગે નોર્ધન રેલવેની અપીલ ફગાવી: ટિકિટ વગરના ઘૂસણખોરોને અટકાવવામાં સ્ટાફની ગંભીર બેદરકારી હોવાનું તારણ

નવી દિલ્હી: રેલવેના અનામત કોચમાં મુસાફરી કરતા પ્રવાસીઓની સુરક્ષા પ્રશ્ને દિલ્હી રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ આયોગે એક મહત્વપૂર્ણ અને આકરો ચુકાદો આપ્યો છે. વર્ષ ૨૦૧૪માં દિલ્હીથી પટના જઈ રહેલી મહાનંદા એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વ્ડ કોચમાંથી મુસાફરનો સામાન ચોરાઈ જવાની ઘટનામાં આયોગે ઉત્તર રેલવેની બેદરકારી ઠેરવી છે. જિલ્લા ગ્રાહક આયોગના ચુકાદા સામે રેલવેએ કરેલી અપીલને ફગાવી દેતાં રાજ્ય આયોગે મુસાફરને ચોરાયેલા સામાનના રૂ. ૧.૨૦ લાખ ઉપર સપ્ટેમ્બર ૨૦૧૭થી વાર્ષિક ૯% વ્યાજ અને માનસિક ત્રાસ બદલ રૂ. ૨૫,૦૦૦નું વધારાનું વળતર ચૂકવવાનો આદેશ યથાવત રાખ્યો છે.
આ ઘટના ૭ જૂન, ૨૦૧૪ના રોજ બની હતી. મુસાફર અજય કુમાર જૂની દિલ્હી રેલ્વે સ્ટેશનથી પટના જવા માટે મહાનંદા એક્સપ્રેસના રિઝર્વ્ડ કોચમાં સવાર થયા હતા. તે સમયે બે ટિકિટ વગરના અજાણ્યા શખ્સો બોગીમાં ઘૂસી આવ્યા હતા અને સીટ અંગે ઝઘડો કરીને અજય કુમારનું ધ્યાન ભટકાવ્યું હતું. ત્યારબાદ તકનો લાભ ઉઠાવી તેઓ સોના-ચાંદીના દાગીના, કિંમતી કપડાં અને મહત્વપૂર્ણ દસ્તાવેજો ભરેલી ટ્રોલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. ચોરાયેલી વસ્તુઓની કુલ કિંમત રૂ. ૧.૨૦ લાખ જેટલી હતી. મુસાફરે તુરંત જ ટીટીઈ અને આરપીએફને જાણ કરી હોવા છતાં એફઆઈઆર (FIR) નોંધવામાં ભારે વિલંબ કરાયો હતો અને આખરે ૨૩ એપ્રિલ, ૨૦૧૫ના રોજ FIR દાખલ થઈ હતી. ત્યારબાદ મે ૨૦૧૭માં રેલવે પોલીસે કેસનો કોઈ પતો ન લાગતાં તેને 'અનટ્રેસ્ડ' જાહેર કરી બંધ કરી દીધો હતો.
આ મામલે અજય કુમારે ગ્રાહક ફોરમમાં દાદ માંગતા એપ્રિલ ૨૦૨૪માં જિલ્લા આયોગે રેલવેને બેદરકારી બદલ દોષિત ઠેરવી વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. રેલવેએ આ આદેશને રાજ્ય આયોગમાં પડકાર્યો હતો અને દલીલ કરી હતી કે અનામત વગરના કે બુક ન કરાયેલા સામાન માટે રેલવે કાયદાની કલમ ૧૦૦ હેઠળ રેલવે જવાબદાર નથી. જોકે, રાજ્ય ગ્રાહક આયોગના અધ્યક્ષ ન્યાયાધીશ સંગીતા ઢીંગરા સેહગલ અને સભ્ય બિમલા કુમારીની બેન્ચે ૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રેલવેની આ દલીલો ફગાવી દીધી હતી. બેન્ચે સ્પષ્ટ અવલોકન કર્યું કે, અનામત કોચમાં અજાણ્યા કે ટિકિટ વગરના તત્વોને પ્રવેશતા અટકાવવાની પ્રાથમિક જવાબદારી રેલવે સ્ટાફની છે. રેલવે પોતાની આ સુરક્ષાત્મક નિષ્ફળતા અને સ્ટાફની બેદરકારીમાંથી છટકી શકે નહીં, જેથી મુસાફરને વ્યાજ સહિત પૂરેપૂરું વળતર ચૂકવવું જ પડશે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
