તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
પ્રત્યક્ષદર્શી ન હોય તો પણ રેલવેએ વળતર ચૂકવવું જ પડશે: ૧૬ વર્ષની કાનૂની લડત બાદ વિધવા પત્નીને ન્યાય આપતી કલકત્તા હાઈકોર્ટ
ટ્રેનમાંથી પડી જવાના અકસ્માતમાં સાક્ષીઓના અભાવે રેલવે ટ્રિબ્યુનલે ફગાવેલો દાવો હાઈકોર્ટે ઉથલાવ્યો : વ્યાજ સાથે ₹૪ લાખ ચૂકવવા અને પોલીસ રિપોર્ટને આધાર માનવા રેલવે સત્તાવાળાઓને કડક આદેશ

કોલકાતા: કાનૂની ગૂંચવણો અને રેલવે વહીવટીતંત્રની ઉદાસીનતા સામે ૧૬ વર્ષ સુધી એકલી હાથે લડતી વિધવા મહિલાને આખરે કલકત્તા હાઈકોર્ટે ઐતિહાસિક ન્યાય આપ્યો છે. જસ્ટિસ વિશ્વરૂપ ચૌધરીએ રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલના જૂના ચુકાદાને રદબાતલ ઠેરવતા આદેશ આપ્યો છે કે ટ્રેન અકસ્માતમાં જો કોઈ પ્રત્યક્ષદર્શી સાક્ષી હાજર ન હોય, તો પણ પીડિત પરિવારને વળતરથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટે મૃતકની પત્નીને દાવો દાખલ કર્યાની તારીખથી વાર્ષિક ૬ ટકાના વ્યાજ સાથે ₹૪ લાખનું વળતર આગામી ૮ અઠવાડિયામાં ચૂકવી દેવાનો રેલવે સત્તાવાળાઓને કડક આદેશ કર્યો છે.
આ કરુણ ઘટના ૨૫ જુલાઈ ૨૦૧૦ના રોજ બની હતી, જ્યારે માન્ય ટિકિટ ખરીદીને સિયાલદાહ જઈ રહેલો એક પેસેન્જર ટ્રેનમાં ભારે ભીડ અને અચાનક લાગેલા આંચકાના કારણે કૃષ્ણનગર સિટી જંકશન નજીક નીચે પડી ગયો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. કૃષ્ણનગર રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ કરી હતી, પરંતુ વર્ષ ૨૦૧૧માં રેલવે ટ્રિબ્યુનલે એવું કહીને દાવો ફગાવી દીધો હતો કે અકસ્માત નજરે જોનાર કોઈ સાક્ષી કોર્ટ સમક્ષ હાજર કરાયા નથી. હાઈકોર્ટે આ તર્કને સંપૂર્ણપણે ગેરવાજબી ઠેરવતા સ્પષ્ટ કર્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ એકલી મુસાફરી કરતી હોય ત્યારે તેના પરિવાર પાસેથી પ્રત્યક્ષદર્શી લાવવાની અપેક્ષા રાખવી મૂર્ખામીભર્યું છે.
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ભારપૂર્વક જણાવ્યું કે આવા કિસ્સાઓમાં જો સત્તાવાર પોલીસ ઇન્વેસ્ટિગેશન અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ વિશ્વસનીય હોય અને તે આકસ્મિક મૃત્યુની પુષ્ટિ કરતા હોય, તો તેને જ આખરી પુરાવો માનવો જોઈએ. જસ્ટિસ ચૌધરીએ બંધારણની કલમ ૧૨નો હવાલો આપી રેલવેને તેની જવાબદારીનું ભાન કરાવતા કહ્યું કે, ટ્રેક પરથી મૃતદેહ મળ્યા બાદ સાચા પુરાવા એકત્રિત કરવાની પ્રાથમિક ફરજ રેલવે પ્રશાસનની છે. અદાલતના આ માનવતાવાદી વલણે રેલવે અકસ્માતોનો ભોગ બનતા હજારો પરિવારો માટે વળતર મેળવવાનો નવો કાનૂની માર્ગ મોકળો કરી દીધો છે
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
