તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
રેલવે સ્ટેશનોનું ગણિત: મહારાષ્ટ્ર-બંગાળ નહીં, આ રાજ્યમાં છે સ્ટેશનોનો સૌથી મોટો 'ખજાનો'
દેશની લાઇફલાઇન ગણાતી ભારતીય રેલવેના ૮૦૦૦ સ્ટેશનોમાં ઉત્તર પ્રદેશ ૧૧૦૦થી વધુ સ્ટેશનો સાથે અવ્વલ : જાણો ટોચના ૫ રાજ્યો અને રેલવેના બદલાતા હાઈટેક સ્વરૂપની રોચક વિગતો

નવી દિલ્હી: ભારતીય રેલવે માત્ર એક પરિવહન સેવા નથી, પરંતુ કરોડો લોકોના સપના અને આજીવિકાને જોડતી સાંકળ છે. દરરોજ અઢી કરોડ મુસાફરોને મંજિલ સુધી પહોંચાડતું આ વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક આજે ૮૦૦૦ સ્ટેશનો સુધી વિસ્તરી ચુક્યું છે. સૌથી વધુ રેલવે સ્ટેશન ધરાવતા રાજ્યોની વાત આવે ત્યારે ઘણાને એમ લાગતું હોય છે કે મહારાષ્ટ્ર કે પશ્ચિમ બંગાળ મોખરે હશે, પરંતુ હકીકત કંઈક અલગ છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ ૧૧૦૦થી વધુ સ્ટેશનો સાથે પ્રથમ ક્રમે બિરાજમાન છે. તેની વિશાળ વસ્તી અને કાનપુર, પ્રયાગરાજ જેવા મોટા જંક્શન તેને દેશનું સૌથી મોટું રેલ હબ બનાવે છે.
રાજસ્થાન વિસ્તારની દ્રષ્ટિએ મોટું હોવાને કારણે ૭૦૦થી વધુ સ્ટેશનો સાથે બીજા ક્રમે છે, જ્યારે 'ભારતનું હૃદય' ગણાતું મધ્યપ્રદેશ ૫૨૬ સ્ટેશનો સાથે ત્રીજું સ્થાન ધરાવે છે. આશ્ચર્યજનક રીતે, મહારાષ્ટ્ર ચોથા (૫૦૦+ સ્ટેશન) અને પશ્ચિમ બંગાળ ૪૫૦ સ્ટેશનો સાથે પાંચમા ક્રમે આવે છે. મહારાષ્ટ્રનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને બંગાળનું હાવડા જંક્શન ભલે દેશના સૌથી વ્યસ્ત અને ઐતિહાસિક સ્ટેશનો હોય, પરંતુ સંખ્યાની દોડમાં ઉત્તર પ્રદેશે બાજી મારી લીધી છે.
હવે ભારતીય રેલવે માત્ર સ્ટેશનોની સંખ્યા વધારવા પૂરતી સીમિત નથી, પરંતુ 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ આ સ્ટેશનોને એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. વંદે ભારત જેવી સેમી-હાઇ સ્પીડ ટ્રેનો અને સુરક્ષા માટે 'કવચ' જેવી હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ રેલવેના આધુનિકીકરણની સાક્ષી પૂરે છે. ઉત્તર પ્રદેશનું ગોરખપુર સ્ટેશન ૧,૩૬૬ મીટરના વિશ્વના સૌથી લાંબા પ્લેટફોર્મ સાથે રેલવેના ઈતિહાસમાં પોતાનું અનોખું સ્થાન જાળવી રાખ્યું છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
