News of Saturday, 19th September 2026
૨૦૨૦ના હાથરસ કેસમાં ટિપ્પણી બદલ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી: UPની MP-MLA કોર્ટે માનહાનિ કેસમાં પાઠવી નોટિસ!
બૂલગઢી કેસમાંથી નિર્દોષ છૂટેલા ત્રણ યુવકોએ ફાઇલ કરી પુનરીક્ષણ અરજી: રૂ. ૧.૫ કરોડનું વળતર અને કાયદાકીય કાર્યવાહીની માગ સામે કોર્ટે હાથ ધરી સુનાવણી

હાથરસ : ઉત્તર પ્રદેશના ચર્ચિત ૨૦૨૦ના હાથરસ (બૂલગઢી) કેસ સંદર્ભે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સામે કાનૂની શિકંજો વધુ કસાયો છે. ઉત્તર પ્રદેશના હાથરસ સ્થિત MP-MLA કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વિજય કુમાર દ્વિવેદીએ રાહુલ ગાંધી સામે દાખલ કરવામાં આવેલી માનહાનિની પુનરીક્ષણ (રિવિઝન) અરજી સ્વીકારીને તેમને કાયદેસરની નોટિસ પાઠવી છે. કોર્ટ સમક્ષ નોટિસની બજવણી થઈ ગઈ હોવાની પુષ્ટિ થતાં જ કેસમાં વધુ સુનાવણીની પ્રક્રિયા ઝડપી બની છે.
ઘટનાની વિગતો મુજબ, ડિસેમ્બર ૨૦૨૪માં હાથરસના બૂલગઢી ગામની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કથિત રીતે એવું નિવેદન આપ્યું હતું કે, "કેસના આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને પીડિત પરિવાર પોતાના જ ઘરમાં કેદ થઈને રહ્યો છે." જોકે, આ કેસમાં સીબીઆઈ તપાસ અને અદાલતી કાર્યવાહી બાદ ચારમાંથી ત્રણ આરોપીઓ—રવિ, રામકુમાર ઉર્ફે રામુ અને લવકુશ—ને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. નિર્દોષ જાહેર થયેલા આ ત્રણ યુવકોના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે અદાલતમાંથી બિનગુનાહિત સાબિત થયા હોવા છતાં રાહુલ ગાંધીના આ પ્રકારના નિવેદનથી તેમની સામાજિક પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું છે.
રૂ. ૧.૫ કરોડના વળતરની માગણી, નિચલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારાયો
શરૂઆતમાં એડિશનલ સિવિલ જજ દ્વારા આ માનહાનિની નીચલી અદાલતની ફરિયાદ ફગાવી દેવામાં આવી હતી, જેને પડકારતાં ત્રણેય યુવકોએ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની MP-MLA કોર્ટમાં રિવિઝન પિટિશન દાખલ કરી હતી. ફરિયાદી પક્ષે રાહુલ ગાંધી સમક્ષ દરેક નિર્દોષ યુવક દીઠ રૂ. ૫૦ લાખ લેખે કુલ રૂ. ૧.૫ કરોડના નુકસાન વળતરની માગણી સાથે નોટિસ મોકલી હતી. આ કેસની આગળની કાયદાકીય કાર્યવાહી હાથરસ કોર્ટ સમક્ષ ચાલી રહી છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
