News of Tuesday, 19th May 2026
રાહુલ ગાંધીની ગંભીર ચેતવણી: "જો સરકાર નહીં બદલાય, તો દેશનું અસ્તિત્વ જોખમમાં મુકાશે!"
મનરેગા ખતમ થશે અને ખેડૂતો બરબાદ થઈ જશે : GST અને કોર્પોરેટ મિત્રવાદ મુદ્દે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો: દેશ પર તોળાઈ રહેલા આર્થિક સંકટ સામે જનતાને જાગૃત થવા હાકલ કરી

રાયબરેલી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમના સંસદીય મતવિસ્તાર રાયબરેલીમાં જનમેદનીને સંબોધતા કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે જનતાને રાજકીય વાસ્તવિકતા સમજવા વિનંતી કરતા કહ્યું કે, જો વર્તમાન સરકારને સત્તા પરથી હટાવવામાં નહીં આવે, તો દેશ માટે ટકી રહેવું મુશ્કેલ બની જશે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે સરકારની નીતિઓ માત્ર ગણતરીના કોર્પોરેટ મિત્રોને ફાયદો પહોંચાડવા માટે છે, જ્યારે ગરીબો અને નાના ખેડૂતો આર્થિક વિનાશના આરે આવીને ઉભા છે.
ખેડૂતો અને મનરેગા યોજનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારોની જીવાદોરી સમાન સામાજિક સુરક્ષા કાર્યક્રમોને જાણીજોઈને નબળા કરવામાં આવી રહ્યા છે. તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, લોકોના ખિસ્સામાંથી GST અને બચતના પૈસા છીનવીને અદાણી-અંબાણી જેવા ઉદ્યોગપતિઓની તિજોરી ભરવામાં આવી રહી છે. તેમના મતે, સામાન્ય માણસની બચત પર તરાપ મારીને સરકાર દેશના અર્થતંત્રને ખોખલું કરી રહી છે, જેની સીધી અસર આવનારા સમયમાં ગરીબ વર્ગો પર જોવા મળશે.
વૈશ્વિક પરિસ્થિતિઓ અને વધતા ઈંધણના ભાવ મુદ્દે પણ તેમણે સરકારને ઘેરી હતી. ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે સર્જાયેલી પેટ્રોલ-ડીઝલની અછતનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે, એકતરફ વડાપ્રધાન જનતાને ઈંધણ બચાવવા અને ઈલેક્ટ્રિક વાહનો વાપરવાની સલાહ આપે છે, તો બીજી તરફ પોતે વિદેશ પ્રવાસોમાં વ્યસ્ત રહે છે. તેમણે ચેતવણી આપી હતી કે ભારત પર ગંભીર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે અને જો જનતા જાગૃત થઈને પરિવર્તન નહીં લાવે, તો ભારતનો મધ્યમ અને ગરીબ વર્ગ આ સંકટમાં સંપૂર્ણપણે હોમાઈ જશે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
