<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

ઇન્દોરમાં રાહુલ ગાંધીના 'છત્રોં કી ગૂંજ' કાર્યક્રમ પર મોટો ધમાસાણ: ₹10 લાખ ભર્યા બાદ તંત્રએ અચાનક વધુ ₹4 લાખનું બિલ પકડાવ્યું!

રાહુલ ગાંધીના મધ્યપ્રદેશ પ્રવાસ પહેલાં શાસક પક્ષ અને કોંગ્રેસ વચ્ચે ખટરાગ ચરમસીમાએ: ભાજપની ફરિયાદ બાદ IDAએ જગ્યાનો વધારાનો ઉપયોગ ગણાવી ચાર્જ ફટકાર્યો, કોંગ્રેસે કહ્યું- 'રાજકીય દબાણ હેઠળ તંત્રનો દુરૂપયોગ'

ઇન્દોર:  મધ્યપ્રદેશના શૈક્ષણિક અને વ્યાપારી પાટનગર ઇન્દોરમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના આગામી વિદ્યાર્થી સંવાદ કાર્યક્રમ "છાત્રોં કી ગૂંજ"ને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. કોંગ્રેસે 19 સપ્ટેમ્બરના રોજ યોજાનારા આ કાર્યક્રમ માટે પ્રાદેશિક ઉદ્યાન (રીજનલ પાર્ક) સામેના સરકારી મેદાનની ત્રણ દિવસની કામચલાઉ લીઝ પેટે મધ્યપ્રદેશ સરકાર હેઠળના ઇન્દોર વિકાસ સત્તામંડળના ખાતામાં ₹10.08 લાખ જમા કરાવી દીધા હતા. પરંતુ આ વિરાટ આયોજન શરૂ થાય તે પહેલાં જ IDA દ્વારા અચાનક કોંગ્રેસને બીજો પત્ર ફટકારીને વધુ ₹4.03 લાખ ચૂકવવાનો કડક આદેશ અપાતાં ભારે હોબાળો મચી ગયો છે.

આ સમગ્ર કાનૂની અને નાણાકીય વિવાદની પાછળ ભાજપની એક તીખી ફરિયાદ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ભાજપના રાજ્ય પ્રવક્તા રાકેશ સિંહ યાદવે IDA સમક્ષ સત્તાવાર ફરિયાદ કરી હતી કે કોંગ્રેસે મંજૂર કરાયેલી તારીખ અને ક્ષેત્રફળ કરતાં વધુ સમયગાળા માટે સરકારી જમીન પર કબજો જમાવી રાખ્યો છે. સત્તામંડળની તપાસ અને સ્થળ નિરીક્ષણમાં સામે આવ્યું કે 17થી 19 સપ્ટેમ્બર દરમિયાન 12,000 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસે 14 સપ્ટેમ્બરથી જ 4,800 ચોરસ મીટર પ્લોટ પર કામગીરી શરૂ કરી દીધી હતી, જેના બદલામાં આ વધારાની રકમ વસૂલવાનો નિર્ણય કરાયો છે.

કોંગ્રેસે વહીવટીતંત્રના આ વલણ સામે આકરા પ્રહારો કરતા તેને સત્તાધારી ભાજપના ઈશારે કરાયેલી કાર્યવાહી ગણાવી છે. ઇન્દોર શહેર કોંગ્રેસ પ્રમુખ ચિન્ટુ ચોક્સીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીના કાર્યક્રમથી ડરી ગયેલી સરકાર સતત અડચણો ઉભી કરી રહી છે. આ પૂર્વે કોંગ્રેસે 12 સપ્ટેમ્બરના રોજ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ માટે પરવાનગી માગી હતી, પરંતુ મેયર પુષ્યમિત્ર ભાર્ગવે હાઈકોર્ટના આદેશનો હવાલો આપી રમતગમત સિવાય રાજકીય કાર્યક્રમો માટે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે ભાજપે વળતો પ્રહાર કરતાં સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ રાજકીય વિરોધ નથી પરંતુ સરકારી મહેસૂલની સત્તાવાર વસૂલાતનો કાયદાકીય મામલો છે.

(6:27 PM IST)