તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
રાહુલ ગાંધીનો પોડકાસ્ટમાં RSS અને BJP પર મોટો હુમલો : "સિસ્ટમને વિદ્યાર્થીઓની નહીં, આંધળા અનુયાયીઓની જરૂર છે!"
નવા પોડકાસ્ટમાં વિદ્યાર્થીઓ, શિક્ષણના પ્રશ્નો અને સંસ્થાઓના ભગવાકરણ અંગે ખોલ્યો મોર્ચો : સત્યનિકેતન દુર્ઘટનાથી લઈને અનામત અને ચૂંટણી પંચ સુધીના મુદ્દાઓ પર સાધ્યું નિશાન

નવી દિલ્હી: રાહુલ ગાંધીએ તેમના નવા પોડકાસ્ટની ધમાકેદાર શરૂઆત કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને BJP પર અત્યંત આક્રમક પ્રહારો કર્યા છે. આ પોડકાસ્ટના પ્રીમિયરમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે વર્તમાન શાસન વ્યવસ્થા અને સંસ્થાઓ એવી છે કે જે વિદ્યાર્થીઓને સ્વતંત્ર રીતે વિચારતા કે આગળ વધતા જોવા માંગતી નથી, પરંતુ તેમને માત્ર "આંધળા અનુયાયીઓ" બનાવવા માંગે છે. ઇન્દોરમાં યોજાયેલી "છત્રોં કી ગુંજ" રેલીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછે છે અને સિસ્ટમને પડકારે છે, ત્યારે આ સરકારો અસ્વસ્થ થઈ જાય છે કારણ કે તેઓ યુવાનોની તાર્કિક વિચારશક્તિથી ડરે છે.
પોડકાસ્ટ દરમિયાન રાહુલ ગાંધીએ છેલ્લા એક મહિનામાં પોતાની વિવિધ મુલાકાતો અને જનહિતના કાર્યોનો ચિત્તાર રજૂ કર્યો હતો. તેમણે સત્યનિકેતન દુર્ઘટના, શિક્ષણ બજેટમાં ઘટાડો, છાત્રાલયોની ગંભીર અછત, પરીક્ષાઓમાં થતા વિલંબ અને અટકેલી સરકારી નિમણૂકો જેવા સળગતા મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ ખાસ કરીને મહારાષ્ટ્રના નાસિકમાં ભૂખ હડતાળ પર બેઠેલા આદિવાસી વિદ્યાર્થીઓ સાથેની પોતાની મુલાકાતને યાદ કરી, જ્યાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને પત્ર લખીને છાત્રાલયના વિવાદાસ્પદ નિયમો અને વય મર્યાદા પાછી ખેંચાવવાની સફળ લડાઈનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે અન્ય પછાત વર્ગો માટે 27 ટકા અનામત અને મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રની પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓના આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
કાર્યક્રમના અંતમાં રાહુલ ગાંધીએ લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પોતાની તાજેતરની પ્રેસ કૉન્ફરન્સનો ઉલ્લેખ કરતા ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે પણ આંગળી ચીંધી હતી. રાયબરેલીના સાંસદે કહ્યું કે તેઓ દેશના ખૂણે-ખૂણે ફરીને યુવાનો અને વંચિતોના અવાજનેબુલંદ કરી રહ્યા છે અને દેશની શૈક્ષણિક સંસ્થાઓને રાજકીય પકડમાંથી મુક્ત કરાવવા માટે આ લડાઈ વધુ તીવ્ર બનાવવામાં આવશે. રાહુલ ગાંધીના આ પોડકાસ્ટે દેશના રાજકીય ગલિયારોમાં ફરી એકવાર ગરમાવો લાવી દીધો છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
