<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

રાયબરેલીમાં રાહુલ ગાંધીનો હંગામો: ખાડાવાળા રસ્તાઓના ફોટા બતાવી અધિકારીઓને આડે હાથ લીધા

યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહનો વળતો પ્રહાર: રાહુલ ગાંધી સમીક્ષા કરવાને બદલે માત્ર ખામીઓ શોધવામાં વ્યસ્ત

રાયબરેલી:લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ પોતાના મતવિસ્તારની બે દિવસીય મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ ('દિશા') ની બેઠકમાં ભારે ગરમાવો લાવી દીધો હતો. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં તેમણે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) હેઠળ બનેલા જર્જરિત અને ખાડાઓથી ભરેલા રસ્તાઓના ફોટોગ્રાફ્સ રજૂ કરીને જવાબદાર અધિકારીઓ અને બાંધકામ એજન્સીઓ પર તીખા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.


બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ નિર્માણ પામેલા રસ્તાઓની નબળી ગુણવત્તા સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. દિશા સમિતિના સભ્ય ઉમેશ બહાદુર સિંહે જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ ચોક્કસ રસ્તાઓના નામ સાથે તેના બગડેલા ફોટોગ્રાફ્સ અધિકારીઓ સમક્ષ મૂક્યા હતા અને તાત્કાલિક સમારકામ તથા કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે એ પણ આદેશ આપ્યો હતો કે કઈ એજન્સીએ કયો રસ્તો બનાવ્યો છે તેની સ્પષ્ટ ઓળખ રેકોર્ડ પર દર્શાવવામાં આવે. આ મામલે PMGSYના કાર્યપાલક ઇજનેરે તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું વહેલી તકે સમારકામ કરવાની ખાતરી આપી હતી.

બીજી તરફ, બેઠકમાં હાજર ઉત્તર પ્રદેશ સરકારના બાગાયતી મંત્રી દિનેશ પ્રતાપ સિંહે રાહુલ ગાંધીના વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી રાયબરેલીના સાંસદ અને કમિટીના અધ્યક્ષ તરીકે વિકાસ કાર્યોની સમીક્ષા કરવાના બદલે માત્ર વિરોધ પક્ષના નેતા તરીકે ખામીઓ શોધવામાં જ રસ દાખવી રહ્યા હતા.

મંત્રીએ દાવો કર્યો કે જ્યારે 'બેટી બચાવો, બેટી પઢાઓ' યોજના અંગે ચર્ચા શરૂ થઈ, ત્યારે રાહુલ ગાંધીએ યોજનાની વિગતો અને તેના પ્રચાર પાછળ થયેલા ખર્ચના આંકડા માગવાનું શરૂ કર્યું હતું. આ બેઠકમાં અમેઠીના સાંસદ કિશોરી લાલ શર્મા અને યુપીના મંત્રી મનોજ કુમાર પાંડે સહિતના અનેક જનપ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

(8:05 PM IST)