<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

​"રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડતા ડરતા હતા": સપા સાંસદ શિવપાલ સિંહ પટેલનું વિવાદાસ્પદ નિવેદન; ‘ઇન્ડિયા’ ગઠબંધનની એકતા પર શંકાના વાદળો

​ સમાજવાદી પાર્ટીના સહકાર વગર કોંગ્રેસ યુપીમાં શૂન્ય પર ફેંકાઈ જાત: પ્રતાપગઢના સાંસદ પટેલનો દાવા સાથે કોંગ્રેસને ભવિષ્યમાં ૫૦થી વધુ સીટ ન માંગવા ચેતવણી

​ નવી દિલ્હી: ​ઉત્તર પ્રદેશના રાજકારણમાં ‘ઇન્ડિયા’ (INDIA) ગઠબંધનમાં મોટો તિરાડ પડી હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. સમાજવાદી પાર્ટી (સપા) ના પ્રતાપગઢથી સાંસદ શિવપાલ સિંહ પટેલે કોંગ્રેસ અને તેના મોવડી મંડળ પર અત્યંત તીખો પ્રહાર કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાની પરંપરાગત બેઠક અમેઠીથી ચૂંટણી લડતા અત્યંત ડરતા હતા અને તે ડરના કારણે જ તેઓ રાયબરેલી ચાલી ગયા હતા.

​પીટીઆઈ (PTI) વિડિયોઝ સાથે વાતચીત કરતા સપા સાંસદ પટેલે જણાવ્યું હતું કે, "જો ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન ન હોત, તો કોંગ્રેસ રાજ્યમાં એક પણ બેઠક જીતી શકી ન હોત. સ્થિતિ એ હદ સુધી પહોંચી ગઈ હતી કે તેમના સર્વોચ્ચ નેતા રાહુલ ગાંધી પોતાની પરંપરાગત બેઠક છોડવા માટે પણ તૈયાર હતા. તેઓ અમેઠીથી લડવાને બદલે અન્ય જગ્યાએ (રાયબરેલી) ચાલી ગયા કારણ કે તેઓ ખૂબ જ ડરેલા હતા."

​અખિલેશ યાદવના હસ્તક્ષેપ બાદ ચૂંટણી લડવા તૈયાર થયા
​પટેલે ઉમેર્યું કે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે રાહુલ ગાંધીને સમજાવ્યા અને મનાવ્યા હતા. અખિલેશ યાદવે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો રાહુલ ગાંધી ચૂંટણી નહીં લડે તો સપા અમેઠીથી પોતાનો ઉમેદવાર ઊભો રાખશે. આ કડક વલણ અને સમજાવટ બાદ જ રાહુલ ગાંધી ચૂંટણી લડવા તૈયાર થયા હતા અને સપાના સંપૂર્ણ વોટ કોંગ્રેસને ટ્રાન્સફર થવાથી જ કોંગ્રેસ ૬ સીટો જીતી શકી હતી.

​ભવિષ્યમાં ૫૦થી વધુ સીટની માંગ ન કરે કોંગ્રેસ
​સપા સાંસદે ભવિષ્યના સીટ-શેરિંગ અંગે પણ કોંગ્રેસને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, "૨૦૨૪ની ચૂંટણીમાં સપાએ ૩૭ બેઠકો જીતી છે. અમે દરેક રીતે કોંગ્રેસ કરતાં ઘણા આગળ છીએ. ભવિષ્યમાં કોંગ્રેસે સપા પાસે ૫૦થી વધુ બેઠકોની માંગણી ન કરવી જોઈએ અને મળેલી બેઠકોથી સંતોષ માનવો જોઈએ. કોંગ્રેસે નકારાત્મક નિવેદનબાજી કરવાને બદલે સહયોગ આપવો જોઈએ."

​તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું કે જો કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે તો તે ‘ઝીરો’ પર આવી જશે. જો તેઓ ગઠબંધન વિના લડશે તો જનતા સમજી જશે કે તેઓ માત્ર વોટ કાપવા માટે ઉમેદવારો ઊભા રાખી રહ્યા છે.

​કોંગ્રેસના જાતિગત સમીકરણો પર કટાક્ષ
​કોંગ્રેસ દ્વારા ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણ પ્રદેશ પ્રમુખ અને મુસ્લિમ કાર્યાધ્યક્ષ બનાવીને કરાયેલા જ્ઞાતિ સમીકરણો પર પણ પટેલે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે આનાથી કોંગ્રેસને કોઈ ફાયદો નહીં થાય, કારણ કે દલિતો અને અન્ય વર્ગો હવે સપા સાથે જોડાઈ ચૂક્યા છે.

​કોંગ્રેસનો પલટવાર: "સપા પોતાના નેતાઓને મર્યાદામાં રાખે"
​સપા સાંસદના આ વિવાદાસ્પદ નિવેદન સામે કોંગ્રેસ પ્રવક્તા અંશુ અવસ્થીએ તીખો વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, "સમાજવાદી પાર્ટીએ પોતાના આવા નેતાઓને લગામ લગાવવી જોઈએ. ‘ઇન્ડિયા’ ગઠબંધનના કારણે જ શિવપાલ સિંહ પટેલ આજે સાંસદ બની શક્યા છે. તેમણે પોતાની મર્યાદા જાણવી જોઈએ અને આવા જવાબદારીવિહીન નિવેદનો આપવાનું ટાળવું જોઈએ."

(2:07 PM IST)