<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

'રાહુલ ગાંધી ધૃતરાષ્ટ્ર છે, જેમણે અનેક દુર્યોધન પેદા કર્યા': કોંગ્રેસ નેતા રાકેશ યાદવનો રાજીનામા સાથે પ્રચંડ વિસ્ફોટ

મધ્યપ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહાસચિવે પક્ષમાંથી હકાલપટ્ટી બાદ નેતૃત્વ સામે સવાલો ઊભા કર્યા : પ્રદેશ પ્રમુખ જીતુ પટવારી પર કરોડોની સોદાબાજી અને લાંચના ગંભીર આરોપો લગાવીને રાજકારણમાં ગરમાવો

ઇન્દોર: મધ્યપ્રદેશ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ અને જૂથબંધી હવે જાહેરમાં આવી ગઈ છે અને તેનાથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. ઇન્દોર કોંગ્રેસના કદાવર નેતા, પૂર્વ પ્રદેશ મહાસચિવ અને પ્રવક્તા રાકેશ સિંહ યાદવને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પક્ષના આ આકરા પગલાં બાદ રાકેશ યાદવે મૌન તોડતાં કોંગ્રેસના ટોચના નેતૃત્વ પર એવા આકરા પ્રહારો કર્યા છે કે આખું સંગઠન હચમચી ગયું છે. તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ પર આંધળુકિયા કરવાનો આક્ષેપ મૂક્યો છે.

રાકેશ સિંહ યાદવે દિલ્હીથી લઈને ભોપાલ સુધીના નેતાઓ પર આકરા પ્રહારો કરતા સીધું જ મહાભારતનું પાત્ર ટાંક્યું હતું. તેમણે રાહુલ ગાંધીની તુલના "ધૃતરાષ્ટ્ર" સાથે કરી દીધી અને ભારે આક્રોશ સાથે કહ્યું કે રાહુલ ગાંધી એક એવા નેતા સાબિત થઈ રહ્યા છે જેમણે પોતાની આસપાસ અસંખ્ય "દુર્યોધનો" ઊભા કરી દીધા છે, જે પક્ષને પાયમાલ કરી રહ્યા છે. યાદવે સવાલ ઉઠાવ્યો કે રાહુલ ગાંધી લોકશાહી બચાવવાની મોટી મોટી વાતો કરે છે, પરંતુ પોતાના જ ઘરમાં ચાલી રહેલી આવી અંધાધૂંધી સામે આંખ આડા કાન કરીને કેમ બેઠા છે? તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

આ ઉપરાંત, તેમણે મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જીતુ પટવારી પર ગંભીર આર્થિક લેણદેણ અને સોદાબાજીના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. યાદવનો દાવો છે કે જીતુ પટવારી કોઈ યોગ્યતાના જોરે નહીં પરંતુ કરોડો રૂપિયાની લાંચ આપીને પ્રદેશ પ્રમુખની ખુરશી સુધી પહોંચ્યા છે. તેમણે ₹૫૦૦ કરોડના કથિત કૌભાંડનો ઉલ્લેખ કરીને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ પર પણ આક્ષેપોની ઝડી વર્ષાવી દીધી છે. ઇન્દોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચિન્ટુ ચોક્સીએ પત્ર જાહેર કરીને યાદવ પર નકારાત્મક પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ યાદવના આ ખુલાસાઓએ કોંગ્રેસની છબીને મોટો ફટકો માર્યો છે.

(9:32 PM IST)