તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
રઘુવંશીઓનું એલાન-એ-જંગ : રાત્રે સ્વાભિમાન સંમેલન
વસ્તીના પ્રમાણમાં રઘુવંશી સમાજને પ્રતિનિધિત્વ ન મળતા હવે નગારે ઘા : સક્ષમ ઉમેદવારોની અવગણના થઇઃ રઘુવંશીઓમાં ભભુકતો આક્રોશ

રાજકોટ, તા., ૧૮: રાજકોટની કોર્પોરેશનની ચુંટણી જાહેર થયા બાદ લોહાણા સમાજને ભાજપ દ્વારા ટીકીટ આપવામાં અવગણના કરવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. અને ભાજપના નેતાઓ સામે આક્રોશ ઠાલવવામાં આવી રહયો છે.
આ અંગે સમાજને ન્યાય આપવાની માંગ સાથે આજે રાત્રે ૮.૩૦ વાગ્યે રાજકોટના શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ પ્રદેશ કાર્યાલય, શ્રી જાગનાથ મહાદેવ મંદીરની પાછળની શેરી, ડો.યાજ્ઞીક રોડ રાજકોટ ખાતે આજે યુવા નેતા કે.ડી. રઘુવંશી (કાછેલા ધવલ) ની આગેવાનીમાં રઘુવંશી સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના આગેવાનો, કાર્યકરો, નગરજનો ઉમટી પડશે અને ન્યાય આપવાની માંગ કરવામાં આવશે.
ન્યુઝ રૂમ ગુજરાત ચેનલ સાથેની વાતચીતમાં રઘુવંશી યુવા અગ્રણી કે.ડી.રઘુવંશી (કાછેલા ધવલ)એ જણાવ્યું હતું કે ધારાસભ્ય દર્શીતાબેન શાહ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે જાણતા હોવા છતા, રજુઆતો છતા સમાજને ધરાર અન્યાય કરાયો છે. અને ચુંટણીમાં ટીકીટ આપવામાં આવી નથી. અંતિમ ઘડીઓમાં ટીકીટો કાપવામાં આવી છે. જેના માટે સ્થાનીક નેતાઓ જવાબદાર છે. રઘુવંશી સમાજની માત્ર ૩ બહેનોને જ ટીકીટ આપવામાં આવી છે.
દરમિયાન ચેનલ કહયા મુજબ રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ લોહાણા સમાજમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનો દ્વારા ટિકિટ વહેંચણીમાં લોહાણા સમાજને અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
સમાજના અગ્રણીઓનું કહેવું છે કે રાજકોટ શહેરમાં લોહાણા સમાજની નોંધપાત્ર વસ્તી હોવા છતાં વસ્તીના પ્રમાણમાં સમાજને ટિકિટમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. અનેક વોર્ડમાં સમાજના સક્ષમ અને જીતાઉ ઉમેદવારો હોવા છતાં તેમની અવગણના કરવામાં આવી હોવાની લાગણી પ્રવર્તી રહી છે.
ટિકિટ વહેંચણી બાદ સમાજની વિવિધ સંસ્થાઓ અને આગેવાનોની બેઠકોનો દોર શરૂ થયો છે. સૂત્રો મુજબ સમાજ દ્વારા એકસૂરે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની તૈયારી ચાલી રહી છે. જો સમાજની લાગણીને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિરોધનું રણશિંગું ફૂંકવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાય તેમ નથી.
લોહાણા સમાજ રાજકોટના રાજકીય અને સામાજિક ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યો છે. ટિકિટ વહેંચણીમાં થયેલા અન્યાયને લઈને સમાજના યુવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનોએ પક્ષના હાઈકમાન્ડ સમક્ષ પોતાની વાત પહોંચાડીને યોગ્ય ન્યાય મળે તેવી માગ કરી છે.
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે જાહેર થયેલી ઉમેદવાર યાદીમાં લોહાણા સમાજને ટિકિટ ન અપાતા સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સમાજના આગેવાનો અને કાર્યકરોમાં નારાજગીનો માહોલ છે અને ટિકિટ વહેંચણીમાં સમાજની ઘોર ઉપેક્ષા થઈ હોવાની લાગણી વ્યાપી છે.
લોહાણા સમાજના અગ્રણીઓનું કહેવું છે કે રાજકોટ શહેરમાં સમાજની મોટી વસ્તી અને રાજકીય સક્રિયતા હોવા છતાં વોર્ડ દીઠ સક્ષમ, જીતાઉ ઉમેદવારો હોવા છતાં તેમની પસંદગી કરવામાં આવી નથી. વસ્તીના પ્રમાણમાં સમાજને ન્યાય ન મળ્યો હોવાનો સૂર સમાજમાં ઉઠ્યો છે.
સમાજની બેઠકોમાં ચર્ચા દરમિયાન અનેક આગેવાનોએ એવો મત વ્યક્ત કર્યો કે ‘જો વિજયભાઈ રૂપાણી પ્રદેશના નેતળત્વમાં સક્રિય હોત તો લોહાણા સમાજ સાથે આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાત'. વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમિયાન સમાજને હંમેશા યોગ્ય પ્રતિનિધિત્વ મળતું હોવાનું સમાજના લોકો યાદ કરી રહ્યા છે.
ટિકિટ વહેંચણીને લઈને સમાજના યુવા કાર્યકરોમાં પણ નિરાશા છે. જો સમાજની લાગણીને ધ્યાનમાં નહીં લેવાય તો ચૂંટણીમાં તેની સીધી અસર પડી શકે છે અને સમાજના પરંપરાગત મતો છીનવાય તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમાજના આગેવાનો આગામી રણનીતિ ઘડવા માટે બેઠકોનો દોર ચલાવી રહ્યા છે
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
