તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
રૂ. ૨,૬૦૦ કરોડના હાઇવેની ગુણવત્તા સામે સવાલઃ સાત મહિનામાં બીજી વખત માર્ગનો મોટો ભાગ ધસી પડ્યો
ઉજ્જૈન-ગરોઠ હાઇવેનો આશરે અડધો કિલોમીટર ભાગ ફરી બનાવાશેઃ તકનીકી ખામી બાદ તંત્ર હરકતમાં આવ્યું: ફેબ્રુઆરીમાં ૨૦૦ મીટર પછી હવે ૫૦૦ મીટરનો ભાગ બેઠોઃ સિંહસ્થ પહેલાં મહત્ત્વના માર્ગમાં નવી મુશ્કેલી

ઉજ્જૈન: મધ્ય પ્રદેશમાં આશરે રૂ. ૨,૬૦૦ કરોડના ખર્ચે બની રહેલા ઉજ્જૈન-ગરોઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગના બાંધકામની ગુણવત્તા ઉપર ફરી સવાલ ઊભા થયા છે. સાત મહિનાની અંદર બીજી વખત માર્ગનો મોટો ભાગ ધસી જતાં તંત્રએ નુકસાનગ્રસ્ત ભાગ તોડી ફરીથી બનાવવાનો નિર્ણય કર્યો છે.
ઉપલબ્ધ વિગતો અનુસાર દેવાસ રોડ નજીક રેલવે બ્રિજ પાસે આશરે ૫૦૦ મીટરનો ભાગ તકનીકી ખામીના કારણે બેસી ગયો છે. અગાઉ તા. ૬ ફેબ્રુઆરીએ પણ લગભગ ૨૦૦ મીટર જેટલો ભાગ ધસી જવાની ઘટના બની હતી. હવે ફરી ખામી બહાર આવતા માર્ગ બનાવતી એજન્સીને કામ સુધારવા સૂચના આપવામાં આવી છે.
આ સમગ્ર ઉજ્જૈન-ગરોઠ માર્ગ લગભગ ૧૩૬ કિલોમીટર લાંબો છે. જે વિભાગમાં હાલ ખામી સામે આવી છે તે પેકેજનો ખર્ચ આશરે રૂ. ૯૦૦ કરોડ હોવાનું જણાવાયું છે. સંબંધિત વિભાગે તકનીકી તપાસ કર્યા બાદ લગભગ અડધો કિલોમીટર વિસ્તાર તોડી નવેસરથી મજબૂત બાંધકામ કરવાનો નિર્ણય કર્યો છે.
આ માર્ગ આગામી સિંહસ્થને ધ્યાનમાં રાખીને અત્યંત મહત્વનો ગણાય છે. અગાઉ ડિસેમ્બર સુધી રેલવે ઓવરબ્રિજ અને માર્ગનું કામ પૂર્ણ કરવાની યોજના હતી, પરંતુ ફરી બાંધકામ કરવું પડતાં સમયમર્યાદા ઉપર અસર થવાની શક્યતા છે. અધિકારીઓએ માર્ગ સુરક્ષિત અને ટકાઉ બને તે માટે સુધારાકાર્ય કરાવવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું છે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
