<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

કતાર એરવેઝની આકરી ઝાટકણી : ૧૦ મહિનાના બાળકને ફ્લાઈટમાં રોકતા ૧૦ લાખનો દંડ

બોર્ડિંગ પાસ આપ્યા પછી પણ વિમાનમાં બેસવા ન દીધા, ગ્રાહક સુરક્ષા કોર્ટનો ૨૫ હજારનો ખર્ચ પણ ચૂકવવાનો આદેશ નવેમ્બર ૨૦૧૮ ની ઘટનામાં ૬ વર્ષના મોટા દીકરાને કોચ્ચિ અને ૧૦ મહિનાના નાના બાળકને દોહા એરપોર્ટ પર અટકાવ્યા હતા : ૪૫ દિવસમાં વળતર નહીં ચૂકવાય તો વાર્ષિક ૯ ટકા વ્યાજ પણ ચૂકવવું પડશે, એરલાઇન્સનો નિર્ણય મનસ્વી અને ગેરવાજબી ગણાવાયો

તિરુવનંતપુરમ: કેરળના એર્નાકુલમ જિલ્લા કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા કરાવતી કતર એરવેઝને સેવામાં ગંભીર ઉણપ અને અયોગ્ય વ્યાપારી પ્રવૃત્તિ બદલ દોષિત ઠેરવીને આકરો દંડ ફટકાર્યો છે. એક પરિવારે બોર્ડિંગ પાસ અને તમામ કાયદેસરના યાત્રા દસ્તાવેજો હોવા છતાં તેમના બે નાના બાળકોને ફ્લાઈટમાં ચડતા રોકવાની ગંભીર ફરિયાદ કરી હતી. આ મામલે ગ્રાહક કોર્ટે લાલ આંખ કરીને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સને રૂપિયા ૧૦ લાખનું માતબર વળતર અને કેસના ખર્ચ પેટે અન્ય ૨૫,૦૦૦ રૂપિયા ચૂકવી દેવાનો આદેશ આપ્યો છે. ૧૪ જુલાઇના રોજ અપાયેલા આ મહત્વપૂર્ણ આદેશથી ગ્રાહકોના હિતનું રક્ષણ થયું છે.

ઇટાલીમાં કામ કરતા અને મૂળ ભારતીય પ્રવાસી રોશન જોસ દ્વારા આ કાનૂની જંગ લડવામાં આવ્યો હતો. 

પ્રાપ્ત વિગતો અનુસાર રોશન જોસ તેમના પત્ની વિનાયા અને બે નાના બાળકો સાથે નવેમ્બર ૨૦૧૮ માં રજાઓ ગાળવા માટે વેનિસથી કોચ્ચિ આવ્યા હતા. કતર એરવેઝે આ પરિવારના તમામ જરૂરી દસ્તાવેજો અગાઉથી ચકાસ્યા હતા અને બંને બાળકો સહિત સમગ્ર પરિવાર માટે રિટર્ન ટિકિટ તથા બોર્ડિંગ પાસ પણ જારી કરી દીધા હતા.

રજાઓ પૂર્ણ કરીને ૩ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ આ પરિવાર ઇટાલી પરત જવા માટે કોચ્ચિ એરપોર્ટના ચેક ઇન કાઉન્ટર પર પહોંચ્યો હતો. ત્યાં તેમને અઢી કલાક સુધી કોઈ પણ નક્કર કારણ વિના રાહ જોવડાવી હતી. 

ત્યારબાદ ફ્લાઇટ ઉપડવાની માત્ર દસ મિનિટ પહેલા જ એરલાઇન્સના સ્ટાફે તેમના ૬ વર્ષના મોટા દીકરા પાસે અલગથી વિઝા ન હોવાનું બહાનું કાઢીને બોર્ડિંગ પાસ આપવાનો સીધો ઇનકાર કરી દીધો હતો. જ્યારે માતાપિતા અને ૧૦ મહિનાના બાળકને બોર્ડિંગ પાસ આપી દેવામાં આવ્યા હતા.

એરલાઇન્સના આ અણઘડ વર્તનને કારણે પરિવારે નાછૂટકે પોતાના ૬ વર્ષના મોટા દીકરાને એરપોર્ટ પર જ ફ્લાઇટના થોડા સમય પહેલા પોતાના સગા સંબંધીઓને સોંપી દેવો પડ્યો હતો. ભારે હૈયે માતાપિતા ૧૦ મહિનાના નાના બાળક સાથે દોહાની ફ્લાઇટમાં સવાર થયા હતા. પરંતુ પરિવારની મુશ્કેલી અહીં જ પૂરી નહોતી થઈ. દોહા પહોંચ્યા પછી એરલાઇન્સે વધુ એક મનસ્વી નિર્ણય લઈને ૧૦ મહિનાના બાળકને પણ વેનિસ જતી ફ્લાઇટમાં જતા અચાનક રોકી દીધો હતો. ૧૦ મહિનાનું બાળક સ્તનપાન કરતું હોવા છતાં તેને અટકાવતા પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો હતો.

ગ્રાહક કોર્ટે આ સમગ્ર પ્રકરણની ગંભીર નોંધ લીધી હતી અને આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બોર્ડિંગ પાસ જારી કર્યા પછી પણ નાના બાળકને માતાપિતા સાથે જતા રોકવાનો એરલાઇન્સનો આ નિર્ણય સંપૂર્ણપણે મનસ્વી હતો. 

કોર્ટે કતર એરલાઇન્સને ૪૫ દિવસની અંદર વળતર ચૂકવી દેવા તાકીદ કરી છે. જો નિર્ધારિત ૪૫ દિવસમાં વળતર નહીં ચૂકવાય તો એરલાઇન્સે વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજ પણ ચૂકવવું પડશે.

 

(9:38 AM IST)