<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

પશ્ચિમ એશિયાની અશાંતિ વચ્ચે પુતિનની ભારતને મોટી ઓફર: હોર્મુઝના વૈશ્વિક સંકટ સામે રશિયાએ ધરી નવી 'સુપર લાઈફલાઈન'

ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરથી ભારત-રશિયા વચ્ચે વેપાર ખર્ચ અને સમય અડધો થશે : ફંડિંગ અને લોન આપવા પુતિન તત્પર

વિશ્વના સૌથી મહત્ત્વના દરિયાઈ વેપાર માર્ગ એવા હોર્મુઝ સામુદ્રધુની અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ તથા અશાંતિના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. પશ્ચિમ એશિયાના સંકટના પગલે શિપિંગ કંપનીઓના ભાડા અને વીમાના દરો આસમાને પહોંચી ગયા છે. આ વૈશ્વિક વેપાર સંકટ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત સામે એક મહત્વપૂર્ણ અને સુરક્ષિત વિકલ્પ રજૂ કર્યો છે. પુતિને ભારત સાથે આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોરના સંયુક્ત ઉપયોગ અને વિકાસ માટેની ઓફર મૂકી છે, જેથી વૈશ્વિક ચૌકપોઈન્ટ્સ પરની નિર્ભરતા ઘટી શકે.

હોર્મુઝની સામુદ્રધુની એ ઓમાન અને ઈરાન વચ્ચે આવેલો એક સાંકડો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વિશ્વના ક્રૂડ ઓઈલનો આશરે ચોથો ભાગ પસાર થાય છે. પરંતુ વર્તમાન સંઘર્ષ અને ડ્રોન-મિસાઈલ હુમલાના જોખમોને લીધે ત્યાં દરિયાઈ માર્ગે પરિવહન અત્યંત જોખમી બન્યું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા પુતિને જણાવ્યું છે કે રશિયા અને ભારત વચ્ચેનો આર્થિક સહયોગ માત્ર માલ-સામાનની ખરીદી કે વેચાણ પૂરતો મર્યાદિત રહેવાને બદલે લોજિસ્ટિક્સ અને પરિવહન ક્ષેત્રે વિસ્તારવો જોઈએ.


મંચ પરથી સંબોધન કરતા વ્લાદિમીર પુતિને ખુલાસો કર્યો હતો કે રશિયાએ ચીન અને દક્ષિણ કોરિયાના કન્ટેનર જહાજોનું આ નવા કોરિડોર દ્વારા સફળતાપૂર્વક પરિવહન કરીને પરીક્ષણ કરી લીધું છે. હવે આ સલામત આંતરરાષ્ટ્રીય કોરિડોરનો સંયુક્ત રીતે ઉપયોગ કરવા માટે ભારતીય મિત્રો સાથે પણ સકારાત્મક વાતચીત ચાલી રહી છે.


૭,૨૦૦ કિલોમીટર લાંબો આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર ભારત, ઈરાન અને રશિયાને જોડતો મલ્ટી-મોડલ (સમુદ્ર, રેલવે અને રોડ) માર્ગ છે. પરંપરાગત સુએઝ કેનાલ માર્ગની સરખામણીમાં આ રૂટથી મુસાફરીનો સમય ૪૦% અને નૂર ખર્ચ આશરે ૩૦% થી ૫૦% સુધી ઘટી જવાની ધારણા છે. પુતિને ભારપૂર્વક જણાવ્યું કે આ કોરિડોરના ઝડપી નિર્માણ માટે જરૂરી ફંડિંગ અને લોન આપવા માટે રશિયા સંપૂર્ણપણે તૈયાર છે.

જોકે, તેમણે ઉમેર્યું હતું કે આ પ્રોજેક્ટની ઝડપ ઈરાન પોતાની સરહદોમાં રેલ અને રોડ નેટવર્કનું બાંધકામ કેટલી ઝડપથી પૂર્ણ કરે છે તેના પર પણ આધાર રાખે છે. આ ઉપરાંત અઝરબૈજાનમાંથી પસાર થતા માર્ગ અંગે રાષ્ટ્રપતિ અલીયેવ સાથે વાતચીત થઈ ચૂકી છે અને ત્યાં કોઈ સમસ્યા નથી.

(10:36 PM IST)