<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

"મુખ્ય ચૂંટણી કમિશનરને જેલમાં ધકેલો અને બંગાળમાં ફરી ચૂંટણી કરાવો!": EC ની અંદર ચૂંટણી કમિશનરો વચ્ચેના તીખા વિવાદ બાદ મમતા બેનર્જી ની ઉગ્ર માંગણી

સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે ચૂંટણી પંચમાં આંતરિક કલહ સપાટી પર આવતા જ વિપક્ષ આક્રમક; મમતાએ કહ્યું- "ભાજપ અને CECએ મળીને બંગાળ ચૂંટણી લૂંટી લીધી"

કોલકાતા : ભારતીય રાજકારણમાં અને ચૂંટણી પંચમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. ચૂંટણી પંચ (EC) ની અંદર સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયાને લઈને ચૂંટણી કમિશનરો વચ્ચે ભારે અસંતોષ અને મતભેદના અહેવાલો બહાર આવ્યા બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ અહેવાલો સામે આવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે મોરચો ખોલી દીધો છે. મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની તાત્કાલિક ધરપકડ કરવાની અને બંગાળમાં જૂની મતદારયાદી સાથે ફરીથી વિધાનસભા ચૂંટણી કરાવવાની ઉગ્ર માંગણી કરી છે.


 

"ચૂંટણી પંચ અને ભાજપે મળીને લોકશાહીની લૂંટ ચલાવી"

મીડિયા રિપોર્ટમાં થયેલા ખુલાસા બાદ પત્રકાર પરિષદને સંબોધતા મમતા બેનર્જીએ અત્યંત આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, "આ દેશના ઈતિહાસનો સૌથી મોટો સ્કેન્ડલ અને કૌભાંડ છે. ભાજપ અને મુખ્ય ચૂંટણી કમિશનરે મળીને બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામોની લૂંટ ચલાવી છે. જો ચૂંટણી કમિશનરમાં થોડી પણ નૈતિકતા કે બિનસાંપ્રદાયિક સન્માન બાકી હોય તો તેમણે હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને પોતાની ધરપકડની માંગ કરવી જોઈએ."

 

તેમણે ઉમેર્યું કે, માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં પરંતુ જ્યાં પણ SIR પ્રક્રિયા લાગુ કરીને ચૂંટણી યોજવામાં આવી હતી અને ભાજપનો વિજય થયો હતો, તે તમામ રાજ્યોમાં ફરીથી મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવી જોઈએ.


 

ચૂંટણી પંચમાં શુ છે આખો 'SIR ફાટફૂટ' વિવાદ?

એક અહેવાલ મુજબ, ચૂંટણી પંચના બે અન્ય કમિશનરો (સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશી) એ છેલ્લા ૧૦ મહિનામાં SIR પ્રક્રિયા અને તેના ઓર્ડર સંબંધિત નિર્ણય પ્રક્રિયા સામે ૧૪થી વધુ વખત ઔપચારિક વાંધો નોંધાવ્યો હતો. એવો પણ આરોપ છે કે કેટલાક મહત્વના નિર્ણયો અન્ય કમિશનરોની જાણ બહાર લેવામાં આવ્યા હતા.

 

જોકે, ચૂંટણી પંચે આ તમામ આરોપોને ફગાવી દેતા સ્પષ્ટતા કરી છે કે:


 

  • ચૂંટણી કમિશનરો વચ્ચે ચર્ચા અને વાંધાઓ એ વહીવટી પ્રક્રિયાનો સામાન્ય ભાગ છે જેથી મતદારોના અધિકારોનું રક્ષણ થાય.

 

  • SIR સંબંધિત તમામ અંતિમ નિર્ણયો ત્રણેય ચૂંટણી કમિશનરોની સર્વસંમતિથી જ લેવામાં આવ્યા હતા.

 

INDIA ગઠબંધનની બેઠક અને વિપક્ષી મોરચો

અભિષેક બેનર્જી અને અન્ય તૃણમૂલ નેતાઓએ પણ આક્ષેપ કર્યો છે કે હરિયાણા, બિહાર અને બંગાળમાં લાખો સાચા મતદારોના નામો કાઢી નાખીને ચોક્કસ પક્ષને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. મમતા બેનર્જીએ જણાવ્યું છે કે આ મુદ્દે વિપક્ષી 'INDIA' ગઠબંધનના તમામ નેતાઓ સંપર્કમાં છે અને ટૂંક સમયમાં જ ચૂંટણી પંચના આ કથિત દુરુપયોગ સામે મોટો વ્યુહાત્મક નિર્ણય લેવા માટે બેઠક યોજશે.

(6:27 PM IST)