News of Sunday, 4th October 2026
પૂર્વાંચલ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત: શહીદ જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડાઈ, 4 લોકોના કરૂણ મોત
ચંડીગઢથી દેવરિયા જતી વખતે બન્યો અકસ્માત; શહીદના પરિજનો સહિત ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ નિધન અંતિમયાત્રા દરમિયાન વધુ એક દુઃખદ આઘાતથી પરિવાર શોકકાતુર

સુલ્તાનપુર: ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. શહીદ સૂબેદાર મેજર સત્યવાન સિંહનો પાર્થિવ દેહ લઈને તેમના વતન જઈ રહેલી એમ્બ્યુલન્સ રસ્તાની બાજુમાં ઊભેલા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
ઊભેલા ટ્રક સાથે એમ્બ્યુલન્સની ભયાનક ટક્કર
આ દુર્ઘટના સુલ્તાનપુરના હલિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ પૂર્વાંચલ એક્સપ્રેસવેના 79.6 કિલોમીટર પોઈન્ટ પાસે બની હતી. ચંડીગઢ/પંચકુલાથી શહીદ જવાનનો મૃતદેહ લઈને એમ્બ્યુલન્સ તેમના વતન દેવરિયા તરફ જઈ રહી હતી. તે દરમિયાન એક્સપ્રેસવે પર ઊભેલા ટ્રક સાથે એમ્બ્યુલન્સ અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે એમ્બ્યુલન્સનો કુરચો બોલી ગયો હતો.
અકસ્માતમાં મૃત્યુ પામેલાઓ
આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર જસપાલ સિવાય શહીદના પરિવારના બે સભ્યો—સજન સિંહ અને ગૌરવ સિંહ તેમજ સેનાના જવાન રામ સમુઝ સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પરિવાર પર આફતનો પહાડ તૂટી પડ્યો
એક તરફ પરિવાર સૂબેદાર મેજર સત્યવાન સિંહના નિધનના આઘાતમાં હતો, ત્યારે બીજી તરફ તેમના પાર્થિવ દેહને વતન લાવતી વખતે જ બનેલી આ દુર્ઘટનામાં પરિવારના વધુ બે સભ્યોના મોત થતાં પરિજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહોને કબજે લઈ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ગતિ વધુ હોવાને કારણે અથવા ડ્રાઈવરને ઝોકું આવી જવાથી આ અકસ્માત થયો હોવાની શંકા સેવવામાં આવી રહી છે. હાલ પોલીસ સીસીટીવી ફુટેજ અને અન્ય પુરાવાના આધારે વધુ તપાસ ચલાવી રહી છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
