<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

શાળાઓમાં શિક્ષકોની અછત ઉજાગર કરતો ભાવનાત્મક વીડિયો શેર કરવો પંજાબના આપ ધારાસભ્યને પડ્યો ભારે; પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ

પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને અનુશાસનહીનતાના આરોપસર મૌર મતવિસ્તારના ધારાસભ્ય સુખવીર સિંહ સામે આમ આદમી પાર્ટીની કડક કાર્યવાહી

ચંડીગઢ : આમ આદમી પાર્ટીએ શનિવારે પંજાબના મૌર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય સુખવીર સિંહ મૈસરખાનાને "પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને અનુશાસનહીનતામાં સંડોવણી" ગણાવીને સસ્પેન્ડ કર્યા છે. તેમણે તેમના મતવિસ્તારની શાળાઓમાં શિક્ષકોની અછતને ઉજાગર કરતો એક ભાવનાત્મક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ પક્ષ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. પાર્ટીએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રિય શ્રી સુખવીર સિંહ, પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને અનુશાસનહીનતાને ધ્યાનમાં રાખીને આપની પ્રાથમિક સભ્યપદ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.
વાયરલ થયેલા વીડિયોમાં મૈસરખાનાએ સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષણ કર્મચારીઓની માંગ કરી હતી અને શિક્ષકોની અછતને કારણે વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ વિશે વાત કરી હતી. આ મુદ્દો સોશિયલ મીડિયા પર ઉઠાવતી વખતે તેઓ અત્યંત ભાવનાત્મક દેખાતા તેમની આ ટિપ્પણીઓ ભારે ચર્ચાનો વિષય બની હતી અને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
આ મામલે ભાજપના નેતા રવનીત સિંહ બિટ્ટુએ પણ આ વીડિયો શેર કરીને પંજાબ સરકારના શિક્ષણ મોડેલના દાવાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે કોઈ શાસક પક્ષના ધારાસભ્યને જાહેરમાં આવીને પોતાના મતવિસ્તારની શાળાઓમાં પૂરતા શિક્ષકોની માંગણી કરવી પડે છે, ત્યારે તે પંજાબમાં લાખો વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતી વાસ્તવિક પરિસ્થિતિ વિશે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જોકે, આમ આદમી પાર્ટીએ સસ્પેન્શનના આદેશમાં આ વિડિયોની ચોક્કસ ટિપ્પણીઓનો સીધો ઉલ્લેખ કરવાને બદલે માત્ર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને અનુશાસનહીનતાને જ કારણણરૂપ ગણાવી છે.
પંજાબમાં શિક્ષણ વ્યવસ્થા અને ‘શિક્ષણ મોડેલ’ને લઈને અગાઉ પણ વિપક્ષી પક્ષો દ્વારા સરકારને ઘેરવામાં આવી છે, ત્યારે શાસક પક્ષના જ ધારાસભ્ય સામે થયેલી આ કાર્યવાહીથી રાજકીય ગરમાવો આવી ગયો છે. આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે અને સસ્પેન્ડેડ ધારાસભ્ય દ્વારા આ મામલે આગામી દિવસોમાં કોઈ નવો ખુલાસો કે પગલું લેવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.

(12:12 AM IST)