તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
પંજાબી કલાકારો અને હાસ્ય કલાકારો પર ગેંગસ્ટર નેટવર્ક દ્વારા સતત વધતી ગોળીબાર તથા ખંડણીની ધમકીઓનું મોટું સંકટ
કેનેડાથી લઈને ભારત સુધી પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના સેલેબ્સને ટાર્ગેટ બનાવી ખંડણી વસૂલવા અને વર્ચસ્વ જમાવવા થઈ રહેલા હુમલા.

રાજકોટ : પંજાબી સંગીત અને મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલા જાણીતા કલાકારો જેવા કે AP ધિલ્લોન, કપિલ શર્મા, એમી વિર્ક, ગિપ્પી ગ્રેવાલ અને ગુલાબ સિદ્ધુ પર વિદેશ અને ભારતમાં અવારનવાર ગોળીબાર અને ધમકીઓની ઘટનાઓ સામે આવતાં સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ભારે ભયનો વાતાવરણ સર્જાયો છે. ખાસ કરીને સપ્ટેમ્બર ૨૦૨૬માં ત્રણ કલાકારો પર થયેલા હુમલા અને કેનેડાના સરે સ્થિત કપિલ શર્માના 'કેપ્સ કેફે' પર વારંવાર થયેલા ગોળીબાર બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય લોરેન્સ બિશ્નોઈ, રોહિત ગોદારા અને બામ્બિહા જેવી ગુનાહિત ગેંગની ભૂમિકા સામે આવી છે.
આ સતત વધી રહેલા હુમલાઓ પાછળનું મુખ્ય કારણ પંજાબી સંગીત ઉદ્યોગનું વાર્ષિક ₹૭૦૦ કરોડથી વધુનું મજબૂત બજાર હોવાનું માનવામાં આવે છે. મોટા કલાકારોને નિશાન બનાવીને ગેંગસ્ટરો સમગ્ર ઉદ્યોગમાં દહેશત ફેલાવી સરળતાથી મોટી રકમની ખંડણી ઉઘરાવવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત, વિદેશમાં રહેતા કલાકારોની પ્રવૃત્તિઓ અને ગેંગ વચ્ચેની પરસ્પર દુશ્મનાવટ પણ આ હિંસક બનાવો પાછળના મુખ્ય પરિબળો તરીકે ઉભરી આવ્યા છે.
હુમલાઓની આ શ્રેણીની શરૂઆત મે ૨૦૨૨માં પ્રખ્યાત ગાયક અને રાજકારણી સિદ્ધુ મૂસે વાલાની માનસાના જવાહરકે ગામમાં થયેલી નિર્મમ હત્યા બાદ વધુ તીવ્ર બની હતી. જોકે આ પહેલાં ૨૦૧૮માં ગાયક પરમિશ વર્મા પર ગોળીબાર અને ગાયક નવજોત સિંહની હત્યા જેવી ઘટનાઓ પણ નોંધાઈ ચૂકી હતી. આ તમામ કિસ્સાઓમાં વિવિધ ગેંગસ્ટરો દ્વારા સોશિયલ મીડિયા કે વીડિયો કૉલના માધ્યમથી જવાબદારી સ્વીકારીને કે ધમકી આપીને ખંડણી માગવામાં આવી હતી.
ચલચિત્ર દિગ્દર્શક નવજોત ગુલાટીના જણાવ્યા અનુસાર, ગેંગસ્ટરો સંગીત ઈન્ડસ્ટ્રીની તાકાત અને આ ગાયકોની લોકપ્રિયતાથી સારી રીતે વાકેફ છે. તેઓ મીડિયામાં ચર્ચામાં રહેવા અને કલાકારો પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે આવા હુમલાઓનો સહારો લે છે. ઘણા કિસ્સાઓમાં ગેંગસ્ટરો પોતાની વાતો કે નેરેટિવ કલાકારોના મ્યુઝિક વિડીયો દ્વારા રજૂ કરાવવા માંગતા હોવાની ધારણા પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ પરિસ્થિતિની સરખામણી ૯૦ના દાયકામાં અમેરિકાના હિપ-હોપ યુગ દરમિયાન ટુપેક શકુર અને ધ નોટોરિયસ બી.આઈ.જી. જેવા દિગ્ગજ રેપર્સ પર થયેલા ગોળીબાર અને હત્યાઓની ઘટનાઓ સાથે કરવામાં આવી રહી છે. જે રીતે તે સમયે ગેંગસ્ટરો મ્યુઝિક વર્લ્ડ પર નિયંત્રણ મેળવવા માગતા હતા, તેવો જ કલ્ચરલ અને ક્રાઈમ ટ્રેન્ડ હાલ પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પુનરાવર્તિત થતો જોવા મળી રહ્યો છે.
કેનેડા અને ભારતની સુરક્ષા એજન્સીઓ આ તમામ આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર નેટવર્ક અને તેના ભારતીય સંપર્કો સામે તપાસ તેજ બનાવી રહી છે. આગામી સમયમાં કલાકારોની સુરક્ષા સમીક્ષા કડક કરવામાં આવી રહી છે અને કેનેડા પોલીસ સાથે મળીને ગેરકાયદે ખંડણી નેટવર્કને નાબૂદ કરવા માટેના કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
