News of Saturday, 26th September 2026
પંજાબમાં રક્ષક જ ભક્ષક બન્યો!: કાઉન્ટર ઈન્ટેલિજન્સનો ઈન્સ્પેક્ટર 3.35 કિલો હેરોઈન અને 6 પિસ્તોલ સાથે રસ્તા વચ્ચેથી ઝડપાયો!
ચૂંટણી ટાણે ડ્રગ્સ વિરોધી ઝુંબેશ વચ્ચે જ પોલીસ સુપ્રીમોનો ખળભળાટ મચાવતો ખુલાસો; પ્રાઈવેટ કારમાં સાદા ડ્રેસમાં જઈ રહેલા ઈન્સ્પેક્ટર બલદેવ સિંહનો ટોલ પ્લાઝા પર ખેલ ખતમ

ચંદીગઢ : પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ડ્રગ્સના દૂષણ સામે ચાલી રહેલી કડક કાર્યવાહી વચ્ચે સમગ્ર પોલીસ બેડાને શરમજનક સ્થિતિમાં મુકી દેતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફિરોઝપુરમાં ડ્રગ્સ તસ્કરી અને ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે જવાબદાર એવા કાઉન્ટર ઈન્ટેલિજન્સ યુનિટના જ ઈન્સ્પેક્ટર પાસેથી કરોડો રૂપિયાનું હેરોઈન અને ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ફિરોઝપુરના કાઉન્ટર ઈન્ટેલિજન્સ યુનિટના ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ઈન્સ્પેક્ટર બલદેવ સિંહ જ નશાના આ કાળા કારોબારના મુખ્ય સૂત્રધાર નીકળ્યા છે. શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ મળેલી ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. ઈન્સ્પેક્ટર બલદેવ સિંહ સાદા કપડામાં પોતાની ખાનગી કારમાં જઈ રહ્યા હતા ત્યારે ફિરોઝપુર-મોગા રોડ પર આવેલા ફિરોઝશાહ ટોલ પ્લાઝા પાસે ઘેરાબંધી કરીને તેમને આંતરી લેવામાં આવ્યા હતા.
પોલીસે કારની તલાશી લેતા તેમાંથી 3.35 કિલોગ્રામ માતબર પ્રમાણમાં હેરોઈન, 6 દેશી પિસ્તોલ અને 6 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે અધિકારી પર ડ્રગ્સ નેટવર્કને તોડી પાડવાની જવાબદારી હતી, તેના જ કબજામાંથી આટલો મોટો જથ્થો મળી આવતા પોલીસ વિભાગ પણ દંગ રહી ગયો હતો. આરોપી ઈન્સ્પેક્ટર વિરુદ્ધ ઘલ્લ ખુર્દ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટ અને આર્મ્સ એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે.
ફિરોઝપુર એસએસપીના જણાવ્યા મુજબ, આ ઘટનાએ પોલીસ તંત્રમાં ઘૂસી ગયેલા કાળા ઘેટાંઓ અને સંગઠિત ડ્રગ સિન્ડિકેટ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલ પોલીસ એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે સરહદ પારથી કે દેશમાંથી આ હેરોઈન અને પિસ્તોલો લાવવામાં આવી હતી અને તેને ક્યાં સપ્લાય કરવાની હતી. આ રેકેટમાં અન્ય કયા ઉચ્ચ અધિકારીઓ કે તસ્કરો સંકળાયેલા છે તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
