<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

અમેરિકામાં પંજાબ પોલીસનો ઇન્સ્પેક્ટર ‘મોસ્ટ વોન્ટેડ’! આંતરરાષ્ટ્રીય તોડબાજીના કેસમાં FBI એ કસી નાગચૂડ, ભારતથી પ્રત્યાર્પણ કરીને US જેલમાં ધકેલાશે

જેલમાંથી ગેંગસ્ટર ભગવાનપુરિયા સાથે મળીને અમેરિકામાં વસતા ભારતીય પરિવાર પાસે માંગ્યા ₹૩.૮ કરોડ; ખોટા મર્ડર કેસમાં ફસાવવાની ધમકી આપનાર ટાંડાના વિવાદાસ્પદ SHO સસ્પેન્ડ

ચંડીગઢ : પંજાબ પોલીસના ઇતિહાસમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી ખરડાય તેવી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમેરિકાના ન્યાય વિભાગ અને ગુપ્તચર એજન્સી એફબીઆઈ (FBI) એ એક મોટા આંતરરાષ્ટ્રીય ખંડણી રેકેટનો ભાંડાફોડ કર્યો છે, જેમાં પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડા શહેરના સસ્પેન્ડેડ SHO ઇન્સ્પેક્ટર ગુરિન્દરજીત સિંહ નાગરાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. અમેરિકી અધિકારી બિલ એસ્પ્લીએ કેલિફોર્નિયામાં યોજાયેલી એક હાઇ-પ્રોફાઇલ ન્યૂઝ કોન્ફરન્સમાં સત્તાવાર જાહેરાત કરી છે કે નાગરા હાલ યુએસ કસ્ટડીમાં નથી, પરંતુ ટૂંક સમયમાં જ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેનું ભારતથી અમેરિકા પ્રત્યાર્પણ (Extradition) કરવામાં આવશે અને ત્યાં ચલાવવામાં આવશે મુકદ્દમો.

કુખ્યાત ગેંગસ્ટર અને સસ્પેન્ડેડ પોલીસવાળાની હાઇટેક જુગલબંધી

એફબીઆઈ દ્વારા કેલિફોર્નિયાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરાયેલી સનસનાટીપૂર્ણ ચાર્જશીટ મુજબ, આ આખી રમત પંજાબની જેલમાંથી ઓપરેટ થઈ રહી હતી. સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડના કુખ્યાત આરોપી અને ૧૦૦થી વધુ ગુનાહિત કેસ ધરાવતા ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયા સાથે મળીને ઇન્સ્પેક્ટર નાગરાએ અમેરિકાના લોસ એન્જલસ કાઉન્ટીમાં રહેતા એક સંપન્ન ભારતીય પરિવારને ટાર્ગેટ કર્યો હતો. ચાર્જશીટમાં ખુલાસો કરાયો છે કે નાગરાએ એપ્રિલ અને જૂન મહિનાની વચ્ચે અમેરિકામાં એક આલીશાન ઘર ખરીદવાનો પણ પ્રયાસ કર્યો હતો.

$૪,૦૦,૦૦૦ (₹૩.૮ કરોડ) આપો નહીંતર હત્યા કેસમાં ફસાશે પરિવાર!

આ કાવતરાના મૂળ ટાંડાના મિયાની ગામમાં ચાલુ વર્ષે ૧૫ જાન્યુઆરીએ થયેલી બલવિંદર સિંહ નામની વ્યક્તિની હત્યા સાથે જોડાયેલા છે. ઇન્સ્પેક્ટર નાગરાએ આ કેસનો ફાયદો ઉઠાવી અમેરિકામાં વસતા એ ભારતીય પરિવારને ધમકી આપી હતી કે જો તેઓ ૪ લાખ યુએસ ડોલર (આશરે ૩ કરોડ ૮૦ લાખ રૂપિયા) નહીં ચૂકવે, તો તેઓ પંજાબમાં રહેતા તેમના સગા-સંબંધીઓને આ હત્યા કેસમાં મુખ્ય આરોપી તરીકે ખોટી રીતે ફસાવી દેશે. ભારે સોદાબાજી બાદ અંતે મામલો ૪ લાખ ડોલર પર સેટલ થયો હતો. આ કેસમાં અમેરિકામાં ૨૪ ગુનેગારોની ધરપકડ પણ થઈ ચૂકી છે.

પંજાબ પોલીસ એક્શનમાં, વિપક્ષના આકરા પ્રહારો

આ આંતરરાષ્ટ્રીય વિવાદ વકરતાં જ જલંધર રેન્જના ડીઆઈજી (DIG) કાર્યાલય દ્વારા મોડી રાત્રે કડક આદેશ જારી કરી ઇન્સ્પેક્ટર નાગરાને ટાંડાના એસએચઓ (SHO) પદ પરથી તાત્કાલિક પ્રભાવથી હટાવી હોશિયારપુર પોલીસ લાઈનમાં મોકલી દેવાયા છે. તેમજ એસપી (SP) કક્ષાના અધિકારીના નેતૃત્વમાં તપાસ સમિતિની રચના કરાઈ છે. બીજી તરફ, વિપક્ષી પાર્ટી શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ આમ આદમી પાર્ટીની વર્તમાન સરકાર પર પ્રહારો કરતા કહ્યું છે કે, "પંજાબ પોલીસના આવા કાળા કારનામાને કારણે આજે વૈશ્વિક સ્તરે ભારતની શરમજનક સ્થિતિ થઈ છે."

જો કે, સ્થાનિક મીડિયા સમક્ષ સસ્પેન્ડેડ ઇન્સ્પેક્ટર ગુરિન્દરજીત સિંહે પોતાના પર લાગેલા તમામ આરોપોને તદ્દન પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે તેમને આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નોટિસ મળી નથી._

(6:11 PM IST)