News of Saturday, 5th September 2026
પંજાબ સરકારનો સરકારી કર્મચારીઓને મોટો દિવાળી ધમાકો: ડીએ (DA) ૪૨% થી વધીને સીધું ૬૦% થશે, ૮૫ હજારથી વધુ કર્મચારીઓને મળશે મોટો લાભ
કૅબિનેટ સબ-કમિટી દ્વારા મોંઘવારી ભથ્થામાં સીધા ૧૮ ટકાના વધારાની ભલામણ; જુલાઈ ૨૦૨૦ પછી ભરતી થયેલા કર્મચારીઓની ‘ટેક હોમ સેલેરી’માં થશે જંગી વધારો

ચંદીગઢ: પંજાબની ભગવંત માન સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને આર્થિક મોરચે મોટો દિલાસો આપતો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ૧૭ જુલાઈ ૨૦૨૦ પછી સેવામાં જોડાયેલા આશરે ૮૫,૦૦૦ જેટલા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) હાલના ૪૨ ટકાથી વધારીને સીધું ૬૦ ટકા કરવાની તૈયારી કરી લીધી છે. કૅબિનેટ સબ-કમિટીની આ ભલામણને આખરી મંજૂરી માટે મુખ્યમંત્રી ભગવંત માન પાસે મોકલવામાં આવી છે.
સરકારી નિર્ણય અંગે માહિતી આપતા કૅબિનેટ મંત્રી અમન અરોડાએ જણાવ્યું હતું કે, ૧૭ જુલાઈ ૨૦૨૦ પછી ભરતી થયેલા કર્મચારીઓને કેન્દ્રીય પગાર ધોરણ (Central Pay Scale) મુજબ પગાર ચૂકવવામાં આવે છે. જોકે, તેમને પંજાબના જૂના દર મુજબ ઓછું મોંઘવારી ભથ્થું મળતું હોવાથી તેમના હાથમાં આવતો ચોખ્ખો પગાર (Take Home Salary) ઘટી જતો હતો. આ વિસંગતતા દૂર કરવા માટે કૅબિનેટ સબ-કમિટીએ તેમના ડીએમાં સીધો ૧૮ ટકાનો વધારો કરીને ૬૦ ટકા કરવા ભલામણ કરી છે.
આ નિર્ણયથી કેન્દ્રીય પે-સ્કેલ પર કામ કરતા ૮૫ હજારથી વધુ કર્મચારીઓના માસિક પગારમાં નોંધપાત્ર ઉછાળો આવશે. તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ સરકારે કર્મચારીઓ માટે આ મોટી આર્થિક ભેટ જાહેર કરતાં કર્મચારી મંડળો અને વહીવટી વર્ગમાં ખુશીનો માહોલ છવાયો છે. મુખ્યમંત્રીની આખરી મંજૂરી મળતાં જ આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
