<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વિવાદોના વમળમાં: ભાજપના પ્રતિનિધિમંડળે રાજ્યપાલને મળી માનને પદ પરથી હટાવવા માટે આક્રમક રજૂઆત કરી

વિધાનસભામાં નશાની હાલતમાં આવવાના કથિત આરોપ સાથે બંધારણીય અખંડિતતા જોખમાયાનો દાવો: સુનીલ જાખડના નેતૃત્વમાં નેતાઓએ રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાને આવેદનપત્ર સોંપ્યું, ભાજપમાં જોડાયેલા સાંસદોની સુરક્ષા પાછી ખેંચવા સામે પણ ઉઠાવ્યો વિરોધ

ચંદીગઢ : પંજાબના રાજકારણમાં ગરમાવો વધતા રવિવારે ભાજપના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાની મુલાકાત લીધી હતી. પ્રદેશ પ્રમુખ સુનીલ જાખડની આગેવાની હેઠળના આ પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભગવંત માન સામે ગંભીર આરોપો મૂકતા આવેદનપત્ર સુપરત કર્યું છે. ભાજપનો દાવો છે કે ૧ મેના રોજ પંજાબ વિધાનસભાના સત્ર દરમિયાન મુખ્યમંત્રી નશાની હાલતમાં હાજર રહ્યા હતા. આ બાબતને બંધારણીય ગેરવર્તણૂક ગણાવીને ભાજપે મુખ્યમંત્રી પાસે સ્પષ્ટતા માંગવા અને જાહેર વિશ્વાસ જાળવવાના હિતમાં તેમને પદ પરથી દૂર કરવા સુધીના પગલાં લેવાની રાજ્યપાલને વિનંતી કરી છે.
મેમોરેન્ડમમાં મુખ્યમંત્રીના વર્તન પર આકરા સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે જે રીતે તેમણે વિધાનસભા અને પત્રકારોને સંબોધ્યા હતા, તે તેમની અસમર્થતા દર્શાવે છે. ભાજપના નેતાઓ અશ્વિની શર્મા, વિજય સાંપલા અને મનપ્રીત બાદલ સહિતના દિગ્ગજોએ આક્ષેપ કર્યો છે કે સત્તા પર બેઠેલી વ્યક્તિનું આવું કૃત્ય લોકશાહીની મર્યાદાનું ઉલ્લંઘન છે. પક્ષે માંગ કરી છે કે રાજ્યપાલ આ મામલે ડીજીપી અને મુખ્ય સચિવ પાસેથી વિગતવાર અહેવાલ મંગાવે. આ સાથે જ વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા અને કોઈ પણ ભ્રષ્ટ વ્યક્તિને સરકારી સુરક્ષા કવચ ન મળે તે સુનિશ્ચિત કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
આ મુલાકાત દરમિયાન ભાજપે તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા પાંચ રાજ્યસભા સાંસદોની સુરક્ષા અચાનક પાછી ખેંચવાના નિર્ણય સામે પણ રોષ વ્યક્ત કર્યો છે. ભાજપના મતે આ નિર્ણય સંપૂર્ણપણે રાજકીય રીતે પ્રેરિત અને મનસ્વી છે, જેનો ઉદ્દેશ્ય વિરોધ પક્ષના નેતાઓને ડરાવવાનો છે. સુરક્ષા કવચના નિર્ણયો માત્ર ધમકીના મૂલ્યાંકનના આધારે જ લેવાવા જોઈએ તેવી માંગ સાથે ભાજપે પંજાબ સરકારની કામગીરી સામે મોરચો માંડ્યો છે. આ રજૂઆત બાદ હવે પંજાબના રાજકીય સમીકરણો કયા વળાંક લે છે તેના પર સૌની નજર ટકેલી છે.

(4:42 PM IST)