News of Wednesday, 1st July 2026
પુણેમાં બિઝનેસમેન કેતન અગ્રવાલ હત્યાકાંડ: આરોપીઓએ લોહગઢ કિલ્લા પરથી નીચે ધકેલતા પહેલા અન્ય એક પહાડી પર કરી હતી 'ડેમો' રિહર્સલ
પોલીસની કડક પૂછપરછમાં સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ કબૂલ્યું પોતાનું ક્રૂર કાવતરું; હત્યાના અંજામ વખતે કોઈ ભૂલ ન થાય તે માટે અગાઉથી કરી હતી તમામ તૈયારીઓ, હવે 'ગેટ એનાલિસિસ' દ્વારા થશે વૈજ્ઞાનિક તપાસ

પુણે: પુણેના જાણીતા રિયલ એસ્ટેટ બિઝનેસમેન કેતન અગ્રવાલની શંકાસ્પદ હત્યાના કેસમાં તપાસ કરી રહેલી પોલીસને અત્યંત ચોંકાવનારી અને ગંભીર વિગતો પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધી હત્યાના માત્ર કાવતરાની અટકળો ચાલતી હતી, પરંતુ હવે પોલીસની સઘન પૂછપરછ દરમિયાન બંને મુખ્ય આરોપીઓ સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ એક એવો ખુલાસો કર્યો છે કે જેને જાણીને તપાસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે કેતન અગ્રવાલને લોહગઢ કિલ્લા પરથી નીચે ધકેલીને મોતને ઘાટ ઉતારતા પહેલા, તેમણે માર્કેટ યાર્ડ નજીકની એક અન્ય પહાડી પર જઈને આ સમગ્ર ઘટનાની રિહર્સલ કરી હતી.
હત્યાના પ્લાનમાં કોઈ કચાશ ન રહે તે માટે કરાઈ હતી પ્રેક્ટિસ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓનું આયોજન અત્યંત સુનિયોજિત અને ક્રૂર હતું. ૧૮ જૂનના રોજ નિર્ધારિત હત્યાને સફળતાપૂર્વક અંજામ આપવા માટે આરોપીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા ન હતા. તેઓ ઈચ્છતા હતા કે કેતનને ફેંકતી વખતે તેમનું નિશાન ચૂકી ન જાય. આ હેતુથી તેમણે હત્યાના થોડા સમય અગાઉ જ એક પહાડી વિસ્તાર પસંદ કરીને ત્યાં પ્રેક્ટિસ કરી હતી. પોલીસ હાલમાં તે રિહર્સલવાળી ચોક્કસ જગ્યા શોધી રહી છે અને ત્યાં પંચનામું કરવાની તૈયારીઓ કરી રહી છે, જેથી આ કાવતરાના નક્કર પુરાવા મેળવી શકાય.
વૈજ્ઞાનિક તપાસ માટે પોલીસનો 'ગેટ એનાલિસિસ'નો સહારો
આ જઘન્ય હત્યાકાંડને સાબિત કરવા માટે પુણે ગ્રામીણ પોલીસે હવે આધુનિક વિજ્ઞાનનો સહારો લેવાનું નક્કી કર્યું છે. હત્યાના દિવસે લોહગઢ કિલ્લાના CCTV ફૂટેજમાં એક વ્યક્તિ શંકાસ્પદ રીતે હલનચલન કરતી જોવા મળી હતી, જેની ચાલવાની રીત આરોપી ચેતન ચૌધરી સાથે મળતી આવે છે. આ સમાનતાને વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કરવા માટે પોલીસે 'ગેટ એનાલિસિસ' (Gait Analysis) ટેકનિક અપનાવી છે. આ પદ્ધતિ દ્વારા આરોપીની શારીરિક હલનચલન અને CCTV માં દેખાતા વ્યક્તિના હલનચલનનું વિશ્લેષણ કરીને પુરાવા એકત્રિત કરવામાં આવશે.
ઘટનાનું રિકન્ટ્રક્શન અને મહત્વના પુરાવાઓ
તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આરોપી ચેતન ચૌધરીને ફરી એકવાર લોહગઢ કિલ્લા પર લઈ જવામાં આવશે, જ્યાં ઘટનાનું રિકન્ટ્રક્શન (ઘટનાક્રમનું પુનરાવર્તન) કરવામાં આવશે. હત્યા કઈ રીતે અને કઈ સ્થિતિમાં કરવામાં આવી તેની દરેક નાની વિગતને તપાસનો ભાગ બનાવવામાં આવશે. આ કેસમાં મહત્વનો પુરાવો ગણાતું ચેતનનું સ્કૂટર પોલીસે પહેલેથી જ જપ્ત કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે, ચેતન ચૌધરી હાલમાં ૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ હવે બંને આરોપીઓને સામસામે બેસાડીને પૂછપરછ કરી શકે છે જેથી હત્યા પાછળના તમામ ગુપ્ત પાસાઓ પરથી પડદો ઉઠાવી શકાય.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
