તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
પુણે-બેંગલુરુ હાઈવે સતત ત્રીજા દિવસે ઠપ, મુંબઈ-પુણેમાં દૂધ-શાકભાજી પુરવઠા પર સંકટ
શેરડીના ભાવ મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ

મુંબઈ, તા. પ : મહારાષ્ટ્રમાં શેરડીના ભાવ વધારાની માગણીને લઈને ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા અને પૂર્વ સાંસદ રાજુ શેટ્ટીના નેતળત્વમાં ખેડૂતો દ્વારા પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે (NH-૪૮) પર કરવામાં આવેલું ચક્કાજામ આંદોલન આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યું છે. ખેડૂતોની માગણીઓનો ઉકેલ નહીં આવે તો મુંબઈ અને પુણે સહિત મહારાષ્ટ્રમાં દૂધ તથા શાકભાજીનો પુરવઠો રોકવાની ચીમકી આપવામાં આવી છે. આંદોલનને કારણે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો છે અને હજારો વાહનો અટવાયા છે.
આંદોલનકારીઓની મુખ્ય માંગણી ચાલુ પિલાણ સિઝનમાં શેરડી માટે પ્રતિ ટન રૂપિયા ૪,૫૦૦નો પ્રથમ હપ્તો ચૂકવવાની છે. આ ઉપરાંત ગયા વર્ષની શેરડીના અંતિમ ભાવમાં પ્રતિ ટન રૂપિયા ૫૦૦નો વધારો કરીને બાકી રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવાની પણ માગણી કરવામાં આવી છે. સંગઠનનું કહેવું છે કે, ખાંડ અને તેના ઉપઉત્પાદનોના સારા ભાવ મળી રહ્યા હોવા છતાં ખાંડ મિલો ખેડૂતોને યોગ્ય વળતર આપવા તૈયાર નથી.
રાજુ શેટ્ટીના નેતળત્વમાં કોલ્હાપુર જિલ્લાના કિણી ટોલ પ્લાઝાના વિસ્તારોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. ૩ નવેમ્બરથી શરૂ થયેલા આંદોલન દરમિયાન ખેડૂતો હાઈવે પર રાત વિતાવી રહ્યા છે. કિણી ટોલનાકા પાસે બંને તરફ વાહનવ્યવહાર અટકી જતાં આસપાસના વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો લાગી છે. પોલીસ દ્વારા કરાડ, પેઠ નાકા, સાંગલી ફાટા, તોપ, વઠાર, કાગલ અને ઉચગાંવ ફાટા સહિતના સ્થળોએ વાહનોને વૈકલ્પિક માર્ગે વાળવામાં આવ્યા છે.
શેટ્ટીએ ચેતવણી આપી છે કે, શેરડીના ભાવ અંગે તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે અને મુંબઈ તરફ જતાં દૂધ તથા શાકભાજીના વાહનોને રોકવામાં આવશે. સંગઠને ખાંડના લઘુત્તમ વેચાણ ભાવમાં પણ વધારો કરવાની માગણી કરી છે. હાલનો પ્રતિ કિલો રૂપિયા ૩૧નો ભાવ વધારીને રૂપિયા ૫૦ કરવાની તેમજ ઇથેનોલના ખરીદી ભાવમાં સુધારો કરવાની માગણી કરવામાં આવી છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
