<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

બોમ્બે હાઈકોર્ટની લાલ આંખ અને આકરી ઝાટકણી બાદ પુણે વહીવટીતંત્ર નમતું જોખવા મજબૂર: ગણેશોત્સવમાં ૧૦ દિવસનો દારૂબંધીનો વિવાદિત આદેશ પાછો ખેંચાયો!

"શું માત્ર પુણેના લોકો જ દારૂ પીને ઉપદ્રવ મચાવે છે?" - હાઈકોર્ટે તીખા સવાલો સાથે કલેક્ટરના મનસ્વી નિર્ણયને ફગાવ્યો; હવે માત્ર બે જ દિવસ રહેશે 'ડ્રાય ડે'.

મુંબઈ : મહારાષ્ટ્રમાં આગામી ગણેશોત્સવ દરમિયાન પુણે જિલ્લામાં ૧૦ દિવસ માટે દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના વહીવટીતંત્રના નિર્ણય સામે બોમ્બે હાઈકોર્ટે અત્યંત સખત વલણ અપનાવ્યું છે. કોર્ટે આ નિર્ણય બદલ સત્તાવાળાઓની ભારે ઝાટકણી કાઢી હતી અને પૂછ્યું હતું કે સમગ્ર રાજ્યમાંથી માત્ર પુણે શહેરને જ કેમ નિશાન બનાવવામાં આવ્યું? હાઈકોર્ટના આકરા વલણ અને હસ્તક્ષેપની ચેતવણી બાદ આખરે વહીવટીતંત્રને બેકફૂટ પર આવીને આ મનસ્વી આદેશ પાછો ખેંચવાની અને પ્રતિબંધને માત્ર બે દિવસ સુધી મર્યાદિત કરવાની ફરજ પડી છે.

 

મુખ્ય ન્યાયાધીશ એમ.સી. ત્રિપાઠી અને ન્યાયાધીશ અદ્વૈત સેઠનાની ખંડપીઠે હોટેલ અને વાઇન શોપ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે કલેક્ટરના આદેશ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે પુણે જેવા દેશના સૌથી શિક્ષિત અને સંસ્કારી શહેર પર આ પ્રકારનો વ્યાપક (બ્લેન્કેટ) પ્રતિબંધ લાદવો એ ત્યાંના નાગરિકો માટે કલંક સમાન છે. માત્ર કાયદો અને વ્યવસ્થાનું બહાનું ધરીને લાયસન્સ ધારકોને ૧૦ દિવસ સુધી પોતાનો વ્યવસાય કરતા અટકાવી શકાય નહીં અને દારૂ પીનાર દરેક વ્યક્તિ ઉપદ્રવ જ મચાવે તેવું માની લેવું અયોગ્ય છે.

 

હાઈકોર્ટની કડક વલણ બાદ રાજ્યના સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે હવે દારૂબંધીનો આદેશ માત્ર ૧૪ સપ્ટેમ્બર (ગણેશ ચતુર્થીના પ્રથમ દિવસે સાંજે ૪ વાગ્યા સુધી) અને ૨૫ સપ્ટેમ્બર (અનંત ચૌદશના વિસર્જનના દિવસે) પૂરતો જ સીમિત રહેશે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ હળવા અંદાજમાં એવું પણ ઉમેર્યું હતું કે ૧૦ દિવસના અચાનક પ્રતિબંધથી નિયમિત દારૂ પીનારાઓની તબિયત લથડતાં હોસ્પિટલોમાં ભીડ થઈ જાત અને રાજ્યના આબકારી વિભાગને પણ મોટું આર્થિક નુકસાન વેઠવું પડત. હાઈકોર્ટના આ નિર્ણયથી પુણેના હોટેલિયર્સ અને વાઇન વેપારીઓએ મોટો રાહતનો શ્વાસ લીધો છે.

(8:20 PM IST)