<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

મહારાષ્ટ્રમાં MPSC પરીક્ષા પેપર લીક કાંડ સામે જનઆક્રોશનો જ્વાળા: છત્રપતિ સંભાજીનગરમાં હજારો ઉમેદવારો રસ્તા પર ઉતર્યા, ભ્રષ્ટાચાર સામે ઉચ્ચ સ્તરીય તપાસની ઉગ્ર માંગ!

પુણે બાદ હવે ક્રાંતિ ચોક ખાતે ઉમેદવારોનું વિશાળ વિરોધ પ્રદર્શન; "અમે ખેડૂતોના સંતાનો રાત-દિવસ એક કરીએ છીએ અને પૈસાદારો બેકડોરથી નોકરી લઈ જાય છે" - ભ્રષ્ટ તંત્ર સામે વિદ્યાર્થીઓનો આક્રોશ.

છત્રપતિ સંભાજીનગર, તા. ૦૮: મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) ની તાજેતરમાં લેવાયેલી ભરતી પરીક્ષાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને પ્રશ્નપત્ર લીક થવાના ગંભીર આરોપો સાથે વિદ્યાર્થીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. મંગળવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના ઐતિહાસિક ક્રાંતિ ચોક ખાતે હજારો MPSC ઉમેદવારો એકઠા થયા હતા અને શાસન તથા કમિશન સામે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું. પુણેમાં યોજાયેલી વિશાળ રેલી બાદ હવે સંભાજીનગરમાં પણ આંદોલનનો ગરમાવો વધી ગયો છે, જ્યાં ઉમેદવારોએ તમામ શંકાસ્પદ પરીક્ષાઓની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.

 

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ MPSC માં પારદર્શિતા લાવવા માટે આઈએએસ અધિકારી તુકારામ મુંધે જેવા "સ્વચ્છ અને કડક છબી" ધરાવતા અધિકારીઓની તાત્કાલિક નિમણૂક કરવાની આકરી માંગણી કરી છે. વિરોધ પ્રદર્શનમાં સામેલ એક ભાવુક ઉમેદવારે જણાવ્યું હતું કે, "અમે અત્યંત ગરીબ અને ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ. માતા-પિતાના સપના પૂરા કરવા માટે અહીં વર્ષોથી દિવસ-રાત કાળી મજૂરી કરીને અભ્યાસ કરીએ છીએ, પરંતુ જે લોકો પાસે કાળું નાણું છે તેઓ સરળતાથી પેપર ખરીદીને નોકરીઓ મેળવી રહ્યા છે. સતત એકસરખા સીટ નંબર ધરાવતા ઉમેદવારોને નિમણૂક પત્રો મળી રહ્યા છે, જે કોઈ સંયોગ હોઈ શકે નહીં."

 

ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં લેવાયેલી MPSC ડ્રગ ઇન્સ્પેક્ટર (ગ્રુપ-B) સ્ક્રિનિંગ પરીક્ષાના પેપર લીક કેસની તપાસ હાલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. આ કૌભાંડમાં પરીક્ષામાં ૭મો રેન્ક મેળવનાર મહિલા ઉમેદવાર સહિત અત્યાર સુધીમાં ૭ લોકોની અટકાયત કરવામાં આવી છે. કમિશનના ચેરમેન વિવેક ભીમનવરે સામે પણ રાજીનામાની માંગ પ્રબળ બની છે, જોકે તેમણે દાવો કર્યો હતો કે આ ઘટના તેમના ચાર્જ સંભાળ્યા પહેલા બની હતી. બીજી તરફ, ઉમેદવારોએ કોવિડ-૧૯ મહામારી પછી લેવાયેલી તમામ ભરતી પરીક્ષાઓની ઝીણવટભરી તપાસ કરવાની માંગ કરી છે.

 

(5:08 PM IST)