તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં સાંખી નહીં લેવાય: યોગી સરકારનો મોટો નિર્ણય, યુપીમાં એનાલોગ ચીઝ, ઘી અને ક્રીમ પર સાર્વત્રિક પ્રતિબંધ
નિરીક્ષણ દરમિયાન એકત્ર કરવામાં આવેલા નમૂનાઓના પરીક્ષણમાં ચોંકાવનારો ખુલાસો થયો : હવે યુપીની કોઈપણ ફેક્ટરી કે દુકાનમાં એનાલોગ ચીઝ, ક્રીમ, છાશ, પનીર, ઘી અને ખોયા બનાવી કે વેચી શકાશે નહીં

લખનૌ : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ભેળસેળયુક્ત અને નકલી એનાલોગ ડેરી ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. હવે યુપીની કોઈપણ ફેક્ટરી કે દુકાનમાં એનાલોગ ચીઝ, ક્રીમ, છાશ, પનીર, ઘી અને ખોયા બનાવી કે વેચી શકાશે નહીં. ખાદ્ય સુરક્ષા વિભાગના આ કડક આદેશથી નકલી દૂધ ઉત્પાદનો બનાવતા માફિયાઓ અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ નિર્ણય પાછળ તાજેતરમાં ખાદ્ય વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાડવામાં આવેલા દરોડા અને તેના દહાડનારા લેબ રિપોર્ટ જવાબદાર છે. નિરીક્ષણ દરમિયાન એકત્ર કરવામાં આવેલા નમૂનાઓના પરીક્ષણમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ એનાલોગ ઉત્પાદનોમાં કુદરતી દૂધના બદલે રિફાઇન્ડ તેલ, સોયાબીન અને વિવિધ હાનિકારક ચરબીનો ઉપયોગ થતો હતો. એટલું જ નહીં, ખોયા અને પનીરને વધુ સફેદ તેમજ ઘટ્ટ બનાવવા માટે ટેલ્કમ પાવડર, ડિટર્જન્ટ, લિક્વિડ ગ્લુકોઝ અને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ જેવા જીવલેણ પદાર્થોની પણ ભેળસેળ કરવામાં આવતી હતી.
જનતાના જીવન સાથે રમત રમતા આ ઝેરી કારોબારને ડામવા માટે સરકારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ આ આકરા પગલાં લીધા છે. તપાસમાં સેફોલાઇટ, રાનીપોલ, ટીનોપોલ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવા ખતરનાક કેમિકલ ન્યુટ્રલાઇઝર્સ મળી આવ્યા હતા, જે માનવ શરીર માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. વહીવટીતંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ વેપારી કે ઉત્પાદક એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ બનાવતો કે વેચતો પકડાશે, તો તેની સામે બિન-જામીનપાત્ર ગુનો નોંધીને જેલ ભેગા કરવા સહિતની અત્યંત સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
