News of Wednesday, 25th November 2026
તમિલનાડુના તિરુપરંકુંદ્રમમાં 'દીપાથૂન' સ્તંભ પર કાર્તિગાઈ દીપમ ન પ્રગટાવવાના વિરોધમાં પ્રદર્શનને લઈને ભાજપ અને હિંદુ સંગઠનોના 300 સભ્યો સામે પોલીસ કેસ
મદુરાઈ પોલીસે ગેરકાયદે ભેગા થવા, શાંતિ ભંગ કરવા અને સરકારી કામમાં અડચણ ઊભી કરવાનો ગુનો નોંધી દીધો : હવે અરજદારે સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી કરવાની ચિમકી આપી

તિરુપરંકુંદ્રમ તા.૨૫ : તમિલનાડુના તિરુપરંકુંદ્રમમાં 'દીપાથૂન' સ્તંભ પર કાર્તિગાઈ દીપમ ન પ્રગટાવવાના વિરોધમાં થયેલા પ્રદર્શનને લઈને ભાજપ અને હિંદુ સંગઠનોના લગભગ 300 સભ્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે, મદુરાઈ પોલીસે બુધવારે આ અંગેની માહિતી આપી છે, પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સામે 6 કલમો હેઠળ કેસ નોંધાયા છે, જેમાં વગર પરવાનગીએ ગેરકાયદેસર રીતે ભેગા થવું, જાહેર શાંતિનો ભંગ કરવો, વિવાદાસ્પદ નિવેદન આપવું અને સરકારી કર્મચારીઓને ફરજ બજાવવામાં અવરોધ ઊભો કરવો સામેલ છે, આ વિરોધ મંગળવારે થયો હતો જ્યારે સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ છતાં દીપાથૂન પથ્થરના સ્તંભ પર દીપ પ્રગટાવવામાં આવ્યો ન હતો, સુપ્રીમ કોર્ટે સાંજે 6 વાગ્યે આ સ્તંભ પર દીપ પ્રગટાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ભારે સુરક્ષા વ્યવસ્થા અને વધતા તણાવ વચ્ચે તિરુપરંકુંદ્રમ પહાડી પર સ્થિત ઉચી પિલ્લયાર મંદિરની ઉપર વાર્ષિક 'મહા દીપમ' પ્રગટાવવામાં આવ્યો હતો, દીપાથૂન સ્તંભ પર કોઈ દીપ પ્રગટાવવામાં આવ્યો ન હતો, સુબ્રમણિયા સ્વામી મંદિરના પૂજારીઓની એક નાની ટીમે દીપ પ્રગટાવવાની વિધિ કરી હતી, જ્યારે નિર્ધારિત સમય પહેલા દીપાથૂન પાસે પોલીસકર્મીઓ તૈનાત કરી દેવાયા હતા, હિંદુ મુન્નાનીના અરજદાર એડવોકેટ નિરંજન એસ. કુમારે આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી રાજ્ય સરકાર પર સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશની જાણીજોઈને અવહેલના કરવાનો આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યું કે અમને સંપૂર્ણ આશા હતી કે સરકાર તિરુપ્પરંકુંદ્રમ દીપાથૂનમાં દીપ પ્રગટાવવા તાત્કાલિક પગલાં લેશે, કમનસીબે સાંજે 6-02 વાગ્યે ઉચી પિલ્લયારમાં હંમેશની જેમ દીપ પ્રગટાવી દેવાયો, જેનો અર્થ છે કે સુપ્રીમ કોર્ટના આદેશનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું છે, તેમણે કહ્યું કે હવે અમારી પાસે સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, સુપ્રીમ કોર્ટે મદુરાઈ જિલ્લા કલેક્ટરને તહેવારના ત્રણ દિવસમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો પણ આદેશ આપ્યો છે, તમિલનાડુ ભાજપ નેતા તમિલિસાઈ સુંદરરાજને પણ રાજ્ય સરકારની કામગીરીની ટીકા કરી છે, તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓ અને કાર્યકરોને મંદિર પાસે જતા રોકવામાં આવ્યા, જ્યારે અન્ય પક્ષોના નેતાઓને જવા દેવાયા, આ મુદ્દે રામનાથપુરમમાં હિંદુ ફ્રન્ટે અને પોલાચીમાં હિંદુ મુન્નાનીએ રોડ બ્લોક કરીને વિરોધ કર્યો હતો, સમગ્ર તમિલનાડુમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શન ફેલાયા છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
